ડાકોરનું રણછોડરાય, સોમનાથ મંદિર, અમદાવાદનાં ભદ્રકાળી અને નડિયાદનાં સંતરામ મંદિર સહિતનાં તમામ મંદિરો બંધ

ડાકોરનું રણછોડરાય, સોમનાથ મંદિર, અમદાવાદનાં ભદ્રકાળી અને નડિયાદનાં સંતરામ મંદિર સહિતનાં તમામ મંદિરો બંધ

આણંદ

 

ચરોતર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારીની સ્થિતિ અત્યંત સ્ફોટક બનતાં હવે મંદિરો, મસ્જિદો અને આશ્રમો બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. મંગળવારથી અમદાવાદમાં સાબરમતી આશ્રમ બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ડાકોર મંદિરના ટ્રસ્ટીઓએ પ્રસિદ્ધ રણછોડરાય મંદિર અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે ઠાકોરજીની પૂજા હવેથી બંધ બારણે થશે.

મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રીમાં માતાજીની ભક્તિનો અનેરો મહિમા છે. પરંતુ આ વર્ષે કોરોના કાળમાં નવરાત્રીમાં મંદિર ભક્તો માટે બંધ કરી દેવાયા છે. અંબાજીથી લઈ દ્વારકા સુધીના તમામ નાના મોટા મંદિરોને સરકારે 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

જે મંદિરો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે તેમાં, સોમનાથ મંદિર – ગીર સોમનાથ, અંબાજી મંદિર-બનાસકાંઠા,  શામળાજી મંદિર-અરવલ્લી, બહુચરાજી મંદિર-બેચરાજી, મહાકાળી મંદિર-પાવાગઢ, રણછોડરાય મંદિર-ડાકોર,  દ્રારકાધીશ મંદિર-દ્રારકા, સ્વામિનારાયણ મંદિર-વડતાલ, અક્ષરધામ મંદિર – ગાંધીનગર, ભદ્રાકાળી મંદિર-અમદાવાદ, ઇસ્કોન મંદિર-અમદાવાદ, સ્વામિનારાયણ મંદિર-કાલુપુર, જગન્નાથ મંદિર-અમદાવાદ, માતાનો મઢ-કચ્છ, તુલસીશ્યામ મંદિર-અમરેલી, સંતરામ મંદિર-નડીયાદ, ઉમિયા ધામ-ઊંઝા, ખોડલધામ-કાગવડા, ચામુંડા માતા મંદિર-ચોટીલા, હર્ષદ મંદિર-પોરબંદર, ભાલકા તીર્થ-ભાલકા અને જલારામ મંદિર-વીરપુર.

ઉલ્લેખનીય છે કે દિવાળીના દિવસોમાં જ્યારે ચરોતરમાં કોરોનાનો જુવાળ ફાટી નીકળ્યો ત્યારે પણ મંદિરો બંધ કરી દેવાયાં હતાં. દેવદિવાળીએ પંથકના જાણીતાં મંદિરોમાંમાં સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે ડાકોરમાં કાર્તિકી પૂનમના મેળાના દિવસે 5 લાખ લોકો એકત્ર થતા હોય છે પણ કાર્તિકી પૂનમે ગણ્યાગાંઠ્યા લોકોની હાજરીમાં પરંપરાગત વિધિઓ કરવામાં આવી હતી. તે જ રીતે સંતરામ મંદિરમાં પણ સાદગીથી દીપ પ્રાગટ્ય થયું હતું.

ડાકોરમાં ભક્તો માટે રણછોડરાયજીનાં દ્વાર બંધ રહ્યાં હતાં. કેટલાક ભક્તોએ બંધ મંદિરના દરવાજાની બહાર ઉભા રહીને મનોમન દર્શન કરી લીધાં હતાં તો કેટલાક દૂરથી રણછોડરાયજીને નમન કરતા જોવા મળ્યા હતા. ઉમરેઠ અને સંતરામ મંદિરમાં પણ રાત્રે પરંપરાગત રીતે કરવામાં આવતું દીપ પ્રાગટ્ય બંધ રહ્યું હતું અને પ્રતીકરૂપે દીપ પ્રગટાવાયા હતા. ફાગવેલમાં દેવ દિવાળીથી ઉજવાતો ભાથીજી મહારાજનો મેળો પણ આ વખતે બંધ રખાયો છે.

મંદિરના મુખ્ય દ્વારને જ પૂનમના દિવસે ઉઘાડવામાં આવ્યું નહોતું એટલે ભાવિક ભક્તોએ બહારથી જ રણછોડરાયજીનાં દર્શન કરીને સંતોષ માન્યો હતો. આણંદમાં કોરોનાની સ્થિતિને અનુલક્ષીને ભક્તોએ સવારથી જ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને સાંઈબાબાનું મંદિર, અંબાજી મંદિર, બીપીએસ સ્વામિનારાયણ મંદિર, રોકડિયા હનુમાનજી તેમજ ખોડિયાર મંદિર સહિતનાં મંદિરોએ ભગવાનનાં દર્શન કર્યાં હતાં. કેટલાંક મંદિરોમાં અન્નકૂટ ચઢાવાયો હતો.

કાર્તિકી પૂનમના સ્નાન નિમિત્તે વાસદ પાસેના વહેરાખડી અને ગળતેશ્વરમાં મહીગસાગર નદીમાં ભાવિકોએ સ્નાન કર્યું હતું. કોરોનાને કારણે ભક્તજનોની હાજરી બહુ ઓછી રહી હતી. નડિયાદમાં સંતરામ મંદિરમાં પણ આ વખતે કોરોનાની મહામારીને કારણે દીપ પ્રાગટ્ય વિધિ એકદમ સાદગીથી ઉજવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!