સૌરાષ્ટ્રમાં કોરોના ખૌફનાકઃ હોસ્પિટલો હાઉસફુલ, દર્દીઓ પોતાના ઘરેથી જ ખાટલા લઈને જવા માંડ્યાં!

સૌરાષ્ટ્રમાં કોરોના ખૌફનાકઃ હોસ્પિટલો હાઉસફુલ, દર્દીઓ પોતાના ઘરેથી જ ખાટલા લઈને જવા માંડ્યાં!

બહારથી કોઈ ચેપ લઈને પ્રવેશી ન જાય તે માટે સુરેન્દ્રનગરના એક ગામમાં ચોવીસે કલાક ચોકી પહેરો, ગામમાંથી બહાર જનારનું ફરજિયાત ટેસ્ટિંગ, હોમ કોરેન્ટિન

 

રાજકોટ

 

ગુજરાતમાં કોરોના મહામારી કરતાંય વહીવટી તંત્રની બદહાલી અને બલિહારીને કારણે લોકો રોગ કરતાં સારવારના અભાવે દમ તોડી રહ્યા છે. લોકોને હવે સરકાર કે તંત્ર પર પર સહેજ પણ ભરોસો રહ્યો હોય તેમ લાગતું ન હોવાથી જાતે જ તમામ ઈન્તેઝામ કરવા માંડ્યાં છે.

લોકડાઉનથી લઈને ગામમાં બહારના લોકોના પ્રવેશ વખતે પોતાના ખર્ચે જ ટેસ્ટિંગ તો ખરું જ પણ કોઈ દર્દીને સારવારની જરૂર હોય તો ઘરેથી જ ખાટલા લઈને હવે હોસ્પિટલોમાં જવાનું શરૂ થયું છે.

રાજકોટમાં કોરોનાની સ્થિતિ એટલી વણસી છે કે હોસ્પિટલોમાં બેડ નથી તેવો જવાબ મળશે તેમ માનીને હવે લોકો પોતાના ઘરેથી જ ખાટલા લઈને હોસ્પિટલની બહાર ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે.

રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલમાં એમ્બ્યુલન્સની બરાબર બહાર એદ દર્દી પોતાના ઘરેથી લાવેલા ખાટલામાં સારવાર લઈ રહ્યો છે. આ રીતે ઘણાં દર્દીઓ પોતાના ઘરેથઈ ખાટલા લઈને એમ્બ્યુલન્સમાંથી ઉતરતા દેખાય છે અને તેની સાથે ઓક્સિજનના સિલિન્ડર પણ લાગેલા જોવા મળે છે.

રાજકોટ જિલ્લામાં 355 ગામડાઓ સ્વયંભૂ બંધ છે. રાજકોટ જિલ્લાના 596 ગામડામાંથી 355 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કર્યુ છે. ઉપલેટાના 18, ગોંડલના 49, કોટડા સાંગાણીના 16, જસદણના 50 , જામ કંડોરણાના 14, જેતપુરના 37, ધોરાજીના 26, રાજકોટના 49, લોધીકાના 20, વિંછીયાના 35 અને પડધરીના 41 ગામોમાં સ્વયંભૂ લોકડાઉનન કરાયું છે.

સૌરાષ્ટ્રના આ ગામમાં કોરોનાની બે લહેર આવી ગઈ હોવા છતાં પણ આ ગામમાં કોરોના પ્રવેશી શક્યો નથી. ગ્રામજનો ગામના નાકાઓ પર અડગ બનીને ઉભા રહી ગયા છે અને બહારના કોઈને પ્રવેશ આપતા નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના કારિયાણી ગામમાં કોઈને પ્રવેશ અપાતો નથી. ગામમાં એન્ટ્રી સમયે કોરોના ટેસ્ટ અને ફરજિયાત હોમ કોરેન્ટીન કરવામાં આવે છે. મોટાભાગે ગામના બહારના કોઈને પ્રવેશ અપાતો નથી. ગામનું કોઈ બહાર જાય તો તેનો ટેસ્ટ પાદરે જ કરાય છે અને 14 દિવસ સુધી તેણે ઘરમાં એકલા રહેવું પડે છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!