કોરોનાની બીજી લહેરને કારણે દર્દીઓમાં થયેલા વધારાને પગલે અમદાવાદ સહિત ચરોતરનાં ગામડાંઓમાં વેપારીઓ હવે જાતે જ બંધ પાળવા માંડ્યા, બાલિન્ટા અને જંત્રાલમાં બજારોમાં સન્નાટો, આણંદની અપરા હોસ્પિટલને દંડ, આણંદ જિલ્લામાં સોમવારે 99 કેસ, 1 મોત નોંધાયું
આણંદ
કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને હોસ્પિટલોમાં બેડ નથી, બેડ નથીની બૂમરાણો મચી રહી છે ત્યારે સામાન્ય જનતાને અગવડ ન પડે તે હેતુથી જિલ્લા પ્રમાણે વહીવટી તંત્ર દ્વારા કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ભરેલા છે અને કેટલા ખાલી છે તેના અંગેની માહિતી પૂરી પાડવાનું બીડું ઝડપાયું છે. દાખલા તરીકે, બોરસદની અંજલિ હોસ્પિટલમાં કુલ 140 બેડ છે જેમાંથી 93 ભરેલા છે અને 47 ખાલી છે.
આણંદની અપરા હોસ્પિટલમાં તમામ 130 બે ભરેલા છે. એ જ રીતે, ચાંગાની ચારૂસેટ હોસ્પિટલમાં 75 બેડમાંથી 26 પર દર્દીઓ છે જ્યારે 49 બેડ હજુ ખાલી છે. આ હોસ્પિટલો માટે નોડલ ઓફિસરો પણ નીમવામાં આવ્યા છે અને તેમના મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યા છે. તમારે કોઈપણ હોસ્પિટલ પર જઈને ક્લીક કરવાનું છે અને કેટગરી વાઈસ પસંદગી કરવાની છે. ICU બેડ, ઓક્સિજન સપ્લાય, જેમને કોરોનાનાં થોડાં લક્ષણો છે તેમના માટેના બેડની કેટેગરી અહીં મૂકવામાં આવી છે.(લિંક નીચે આપેલી છે.)
તમારા ઘરમાં કોઈને કોરોના હોય તો ગભરાઈને નાસભાગ મચાવવાને બદલે અહીં આપેલી લિંક પરથી કોઈપણ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે જોઈ શકો છો. તેમાં આપેલા નામ અને મોબાઈલ નંબર પર કોલ કરીને તમારે જે પૂછવી હોય તે વિગતો પૂછી શકો છો.
દરમિયાન, ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે રાજ્યના જુદા જુદા શહેરોમાં વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન લગાવવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સ્થાનિક તંત્ર દ્વારા ચર્ચા કર્યા બાદ વેપારીઓ દ્વારા બાદ બંધનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં ઘણા બધા વિસ્તારોમાં વેપારીઓ બંધ પાળી રહ્યા છે.
બોરસદ તાલુકાનાં જંત્રાલમાં પણ ધંધા રોજગાર જાતેજ બંધ રાખવાનો નિર્ણય વેપારીઓએ લીધો છે. સરપંચ જગદીશ પરમારે કરેલી અપીલને ધ્યાનમાં રાખીને વેપારીઓએ સ્વયંભૂ 26મી એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જે કોઈ આ અપીલનો ભંગ કરશે તેની પાસેથી રૂપિયા 500 દંડ લેવાશે તેમ સરપંચે કહ્યું હતું. જંત્રાલમાં શ્રી ઝાંપડી માતાજીના સ્થાનકને પણ ભાવિકો માટે બંધ કરી દેવાયું છે.
સોજિત્રાના બાલિન્ટામાં પણ બધું જાતે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. બાલિન્ટાની ગ્રામ પંચાયતે સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધી જ શાકભાજી, દૂધ અને રાશનની દુકાનો ખોલવા માટે કહ્યું છે. તે પછીથી આખું ગામ બંધ થઈ જશે.
આણંદની અપરા હોસ્પિટલે કોરોનાના પેશન્ટની ટ્રીટમેન્ટ બાદ વેસ્ટ જાહેરમાં રસ્તા પર ફેંકતા સોમવારે મોટી બબાલ પણ થઈ હતી. આણંદ નગરપાલિકામાં આ ફરિયાદ જતાં હોસ્પિટલને રૂપિયા 2500નો દંડ ફટકારાયો હતો. આણંદમાં રવિવારે 91 કેસ પછી સોમવારે 99 કેસ અને એક મોત નોંધાયું હતું.
કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 3 વાગ્યા પછી બંધની શરૂઆત કરવામાં આવી છે. સાબરમતી, રાણીપ, ન્યુ રાણીપ, બલોલનગર, નરોડા, સરદાર નગર, સિંધી માર્કેટ બંધ કરવામાં આવી રહ્યા છે. વેપારીઓ દ્વારા બંધના સ્ટીકર મારવામાં આવી રહ્યા છે. બંધના એલાનને મોટા ભાગના વેપારીઓ દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે.
અમદાવાદના વસ્ત્રાપુરમાં બપોર બાદ દુકાનો બંધ રહેશે. વસ્ત્રાપુર વેપારી એસોસિયેશન દ્વારા જાહેરાત કરાઇ છે. 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 110 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5377 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 329 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 61,647 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3641 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 53 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1929 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 496 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 325 કેસ, જ્યારે ગ્રામ્યમાં 184 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 683 કેસ અને ગ્રામ્યમાં 128 કેસ નોંધાયા છે.
( https://vmc.gov.in/Covid19VadodaraApp/HospitalBedsRegionDetails.aspx?tid=1 )