શિયાળાની ઠંડી સાથે કોરોના વાયરસ ખતરનાક રીતે  ફેલાશે: બ્રિટન અને પાકિસ્તાને કેમ ચેતવણી જારી કરી?

શિયાળાની ઠંડી સાથે કોરોના વાયરસ ખતરનાક રીતે ફેલાશે: બ્રિટન અને પાકિસ્તાને કેમ ચેતવણી જારી કરી?

શિયાળામાં શ્વાસની તકલીફો વધતી હોય છે, શરદી પણ વાતવાતમાં થઈ જતી

હોય છેઃ હુંફાળું લાગે તે માટે બંધ ઘરમાં રહેવાથી ચેપ વધુ ઝડપથી ફેલાઈ શકે

 

યાયાવર ડેસ્ક

 

ભારતમાં વરસાદની સીઝન પૂરી થઈ છે. ગયા સપ્તાહ સુધી આકાશમાં દેખાતાં વાદળો હવે વિખેરાવા માંડ્યા છે અને તેની સાથે શુષ્ક પવન શરૂ થયા છે. સવારે ફુલગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. થોડા દિવસોમાં નવરાત્રિની શરૂઆત સાથે શિયાળો પણ શરૂ થઈ જશે. કોરોનાને કારણે આ વખતે નવરાત્રિ ઠંડી રહેશે પણ એક શંકા એવી સેવાઈ રહી છે કે વાયરસ આ સીઝનમાં તેની ગરમી વધારે પડતી દેખાડશે. બ્રિટન અને પાકિસ્તાને આ અંગે ચેતવણી ઉચ્ચારીને કહ્યું છે કે શિયાળામાં કોરોના વાયરસ વધુ ઝડપથી ફેલાઈ શકે છે અને તેથી લોકોએ વધારે સાવચેત રહેવાની જરૂર છે.

જોકે, નિષ્ણાતો આ અંગે કોઈ સ્પષ્ટ ફોડ પાડતા નથી. ઠંડીમાં અમુક રોગો ફેલાય તે નક્કી છે અને સદીઓથી આમ થતું આવ્યું છે. મેડિકલ સાયન્સ પ્રમાણે ઠંડીમાં આપણી રેસ્પીરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્ર નબળું પડી જતું હોય છે. તેને કારણે કફની તકલીફો સર્જાતી રહે છે. સીઝનના જવાની સાથે તે પણ જતી રહેશે.

2500 વર્ષ પહેલાં ગ્રીસમાં એવી શોધ થઈ હતી કે ઠંડીની સીઝન સાથે કેટલાક રોગો આવે છે. સીઝનલ રોગોમાં ઈન્ફેક્શનનો રોગ સૌથી વધુ હોય છે. ગ્રીસના તબીબોએ એવું શોધી કાઢ્યું હતું કે, ઠંડીમાં જ અમુક પ્રકારની બીમારીઓ આવે છે અને ગંભીર રીતે ફેલાય છે. ત્યારથી લઈને અત્યાર સુધી નિષ્ણાતોએ શોધ્યું છે કે શિયાળાની સીઝનમાં બીમારીઓ બેવડી ગતિથી ફેલાતી હોય છે. એટલું જ નહીં, બીમારીઓનું પ્રમાણ પણ વધે છે. કોરોના વાયરસની બીમારીમાં થોડો ઘટાડો આવ્યો છે પણ હજુ તે ફેલાવાનો બંધ થયો નથી. હવે શિયાળો આવ્યો છે ત્યારે કોરોના વાયરસ પણ આ ઐતિહાસિક સાયકલને અનુસરશે કે કેમ તે સવાલ છે. નિષ્ણાતો જોકે, આ મામલે કશું સ્પષ્ટ કહેતા નથી.

અત્યાર સુધીમાં કોરોના વાયરસનો ફેલાવો ઠંડીને કારણે વધ્યો હોય તેવું પ્રમાણ કોઈએ આપ્યું નથી. છતાં કેટલાક અધિકારીઓ અને સરકારોએ લોકોને સાવચેત રહેવા માટે કહ્યું છે. બ્રિટન અને પાકિસ્તાનનાં તો આ અંગેન સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. એવું માનવામાં આવે છેકે કોરોનાનો બીજો વેવ એટલે કે મોજું શિયાળામાં શરૂ થશે અને આ મોજું એકદમ ખતરનાક હશે. એક વાતની અહીં યાદ અપાવીએ કે 1920માં જ્યારે સ્પેનીશ ફ્લુ ફેલાયો ત્યારે પહેલા વેવમાં લોકોએ બહુ ચિંતા નહોતી કરવી પડી. લોકોને એમ હતું કે, આ રોગ તો ગયો. પણ થોડા વખતમાં ફરી બીજું મોજું આવ્યું અને એક જ સપાટામાં દુનિયાભરમાં 8 કરોડ લોકો મરી ગયા. ભારતમાં એકલા પંજાબમાં 5 લાખ લોકો મોતને શરણ થયા હતા. ઈન્ફ્લુએન્ઝાની જેમ કોરોના વાયરસ પણ શિયાળાની ઠંડીમાં ભારતમાં ફેલાય તો શું હાલત થાય તેની કલ્પના કરો. અત્યારે જે કેસ છે તેના કરતાં ત્રણ ગણા-ચોગણા કેસ વધી જાય. મૃત્યુના કેસમાં પણ જોરદાર ઉછાળો આવે અને જેમને શ્વાસની બીમારી છે તેવા લોકોએ વધુ સાવધાની રાખવી પડે.

કોરોના વાયરસ માણસના શ્વસનતંત્રને ખેદાનમેદાન કરતો રોગ છે. એવું માનવામાં આવે છે કે શિયાળામાં જેમ શ્વસનને લગતી બીમારીઓ વધી જાય છે તેમ કોરોનાની બીમારી પણ આ જ કારણથી વધી શકે છે. તે ઉપરાંત શિયાળામાં કોમન કોલ્ડ એટલે કે સાદી શરદીના કેસો પણ ખૂબ થતા હોય છે. કોરોનાના પ્રારંભિક લક્ષણોમાં શરદી છે. હવે કોઈનો શરદી થાય તો તે ચોક્કસપણે એમ વિચારવાનું શરૂ કરી દે કે તેને કોરોના તો નહીં થયો હોયને? કોરોના વાયરસને ઠંડા અને સુકા વાતાવરણમાં રહેવાનું પસંદ હોય છે અને તેમાં તેનું જીવન પણ વધી જાય છે. યાદ છે, માર્ચમાં કોરોના ભારતમાં આવ્યો ત્યારે કેટલાક લોકો એમ કહેતા હતા કે મે ભારતની મહિનાની ગરમીમાં આ વાયરસના ફુરચેફુરચા ઉડી જશે. જોકે, એમ થયું નથી. ઉલટાના કેસો વધ્યા છે. મેડિકલ નિષ્ણાતો કહે છે કે સીઝનમાં ફેરફાર થાય તેમ વાયરસ તેનું સ્વરૂપ બદલતો રહે છે અને એવા વાતાવરણમાં રહેવા ટેવાઈ જાય છે. તેની એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની ગતિ પણ વધી જતી હોય છે. યાદ રહે, શિયાળામાં ભારતમાં ઘેરઘેર છીંકો અને ઉધરસ ખાવાના બનાવો સામાન્ય છે. હવે વિચારો કે અત્યારે આ રીતે છીંકો ખવાતી હોય કે ઉધરસ ફેલાવાતી હોય તો કોરોનાનો વાયરસ કેટલો ઝડપથી આગળ વધી જાય? બીજી એક શક્યતા એ દર્શાવાઈ રહી છે કે શિયાળામાં બારી-બારણાં બંધ રાખવાથી ઘરની અંદર જ શ્વાસોચ્વાસ ભરાઈ રહે અને વાયરસ આરામથી એક શરીરમાંથી બીજા શરીરમાં ફરતો થઈ જાય. વધારામાં તડકાનું પ્રમાણ ઘટતાં વિટામીનની કમી પણ શરીર મહેસૂસ કરે.

કોરોનાનું સૌથી ખરાબ પાસું એ છે કે તે હવામાં છોડાયેલા ડ્રોપલેટથી ફેલાય છે. જોકે, કેટલાક નિષ્ણાતો ઠંડીમાં વાયરસ વધારે ઝડપથી ફેલાય તે વાતે સ્પષ્ટ નથી. તેમના કહેવા પ્રમાણે આપણે કોરોના વાયરસની બીમારીનું એક આખું ચક્ર(સાયકલ)પૂરું કરીશું પછી જ આપણને સમજાશે કે ઠંડીમાં તે કેટલો ગંભીર બન્યો છે. તેમના કહેવા પ્રમાણે આપણે કોરોનાને ગરમી અને ભેજવાળા વાતાવરણમાં ચકાસી લીધો છે અને તેના માટે લોકોએ કેવી સાવધાન રાખવી જોઈએ તેનો અનુભવ કરી લીધો છે. હવે શિયાળાનો વારો છે. આ સીઝનમાં તેનું રૂપ કેવું હશે એ તો હવે ખબર પડશે. સો વાતની એક વાત. આપણે કોરોનાને હરાવવો હોય તો એકબીજાથી દૂર રહેવાનું, આરોગ્યપ્રદ ખોરાક લેવાનું અને જાહેરમાં ફરાફર બંધ કરવાનું ચાલુ જ રાખવું પડશે. ત્યાં સુધીમાં વેક્સન આવી જશે. વેક્સન આવશે પછી આઝાદીથી ફરજો. એ પહેલાં તમારી, તમારા પરિવારજનોની અને બીજાં લોકોની જિંદગી જોખમમાં મૂકવાનું ટાળજો.

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!