આણંદમાં અમદાવાદ, વડોદરા સહિત મધ્યપ્રદેશમાંથી આવેલા કોરોનાના દર્દીઓની સારવાર

આણંદમાં અમદાવાદ, વડોદરા સહિત મધ્યપ્રદેશમાંથી આવેલા કોરોનાના દર્દીઓની સારવાર

જિલ્લામાં ૩૬ બેડ એવા ઉભા કરાશે જેમાં હવામાંથી જ ઓકસિજન મળી રહે તેવાં સાધનોથી સજજ હશેઃ ચિખોદરા અને શંકરા આઈ હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર કેન્દ્રો ઊભાં કરાયાં

 

આણંદ

 

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે હાલ ઉપલબ્ધ બેડની સ્થિતિ સંતોષકારક છે અને ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમા પર્યાપ્ત છે તેવો દાવો જિલ્લા વહીવટીતંત્રએ કર્યો છે. કલેકટર આર જી ગોહિલે કહ્યું છે કે જિલ્લામાં કોરોનાના દર્દીની સારવારમાં ઉપયોગી રેમડેસીવર ઇન્જેકશનનું વિતરણ ૨૯ ખાનગી અને ત્રણ સરકારી હોસ્પિટલને કરવામાં આવી રહ્યું છે.

કલેકટરના દાવા પ્રમાણે  જિલ્લામાં કુલ ૧૯૩૭ બેડ ઉપલબ્ધ છે અને પરિસ્થિતિને સતત ધ્યાને રાખી આગોતરા આયોજનના ભાગરૂપે સતત હોસ્પિટલોમાં બેડની સુવિધામાં વધારો કરવામા આવી રહ્યો છે. દાખલ દર્દીઓની સંખ્યા જોતાં હાલ ૬૩ ટકા બેડ ઉપયોગમાં છે. જિલ્લામાં ઓક્સિજન સાથેના ૯૭૧ બેડ છે. બીજા ૩૪૦ ઓ.ટુ.બેડ, ૩૬૨ સાદા બેડ ખાલી છે. ૨૨૫ બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આણંદ જિલ્લામાં અમદાવાદ, વડોદરા સહિત અન્ય જિલ્લા અને મધ્યપ્રદેશ જેવા રાજયોમાંથી દર્દીઓ આવી રહયા છે તેઓને પણ સારવાર આપવામાં આવી રહી છે.

૫૦ બેડને મલ્ટીપરપઝ અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. જેની સંખ્યા પણ હજુ વધશે. આર્યુ હોસ્પિટલ વિદ્યાનગર, ચિખોદરા આઇ હોસ્પિટલ અને શંકરા આઇ હોસ્પીટલમાં પણ ૨૫ બેડની વ્યવસ્થા કોરોનાના દર્દીઓ માટે કરવામાં આવી રહી છે. જિલ્લામાં ૩૬ બેડ એવા ઉભા કરાશે જેમાં હવામાંથી જ ઓકસિજન મળી રહે તેવાં સાધનોથી સજજ હશે, તેમ જણાવીને કલેક્ટરે કહ્યું છે કે આ માટે દાતાઓ આગળ આવી રહયા છે.

રેમડેસિવીર ઇન્જેકશન ખાનગી હોસ્પીટલોમાં સરકાર દ્વારા  આરક્ષિત બેડ ઉપરના દર્દીઓ માટે તેમજ સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે તબીબો દ્વારા આપવામાં આવી રહ્યાં છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં  કંપનીની એમઆરપી મુજબ રૂા.૬૬૮/ અને રૂા.૧૮૪૪/ જી.એસ.ટી. સાથે દર્દીઓને આપવામાં આવશે. કોઈપણ હોસ્પિટલ આનાથી વધુ નાંણા લઇ શકાશે નહીં.

ગ્રામ્ય સ્તરે પી. એચ. સી., સી.એચ.સી. ખાતે પણ ૧૭૭૩ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સાદા બેડને પણ મલ્ટીપરપઝ યુઝ આવે તે રીતે અપગ્રેડ કરવામાં આવી રહયા છે. ઉપરાંત જી.આઇ.ડી.સી. તરફથી  રૂા.૪૦ લાખનું ફંડ અને સાંસદ મિતેષભાઇ પટેલના પ્રયાસોથી રૂા.૨૫ લાખનું ફંડ ક્રિશ્ના હોસ્પિટલ, કરમસદ અને સરકારી હોસ્પિટલો માટે પ્રાપ્ત થયું છે, જેનો ઉપયોગ દર્દીઓની સારી આરોગ્ય સુવિધા આપવા માટે જ ઉપયોગ કરાશે, તેવો દાવો તેમણે કર્યો હતો.

આણંદ જિલ્લામાં પહેલાં ૬ ટન ઓકસિજનનો વપરાશ હતો તે આજની સ્થિતિએ ૧૮ ટનની જરૂરિયાત છે. ગઇકાલ સુધી ૧૭ ટન ઓકસીજન પૂરો પડાયો છે. રસીકરણની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે જિલ્લામાં ૫.૬૦ લાખના લક્ષ્યાંક સામે ૩ લાખ લોકોએ રસીકરણનો ડોઝ લીધો છે. જિલ્લા પંચાયત આણંદ ખાતે રસીકરણ માટેનું એક સુવ્યવસ્થિત કેન્દ્ર શરૂ કરાશે.

આરટીપીસીઆર ટેસ્ટ માટે ક્રિશ્ના હોસ્પટલ કરમસદ ખાતે લેબની વ્યવસ્થા છે. જયારે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ટુંક સમયમાં જ લેબ શરૂ કરવામાં આવશે. અધિક જિલ્લા કલેકટર પી.સી.ઠાકોરે જણાવ્યું કે આણંદ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જેનો નંબર ૦૨૬૯૨૧૦૭૭ અને ૦૨૬૯૨ ૨૪૩૨૨૨ છે. આ નંબર ઉપર તમામ હોસ્પિટલોમાંથી બેડની વ્યવસ્થાની જાણકારી મળશે.

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!