આઈરિસ હોસ્પિટલમાં 20, અશ્વિનીમાં 12, યુનિટીમાં 12, એમરીમાં 10, સ્પંદનમાં 8, શાશ્વતમાં 13 , ટી સ્ક્વેરમાં 13અને અપરામાં 26 કોરોના પેશન્ટ 17મી એપ્રિલે દાખલ થયા,
આણંદ
ચરોતરમાં કોરોનાનો કાળપંજો ઢીલ મૂકવાનું નામ લેતો નથી. વચમાં કેસોમાં આવેલા થોડા ઘટાડા પછી રવિવારે અચાનક કેસો 24 કલાકમાં 91 વધી ગયા હતા. આણંદમાં હવે સોસાયટીઓમાં એકલ દોકલ નહીં પણ આખાંને આખાં પરિવારો કોરોનાની બીમારીમાં સપડાવા માંડ્યાં છે.
આણંદમાં આઈરિસ હોસ્પિટલમાં 20, અશ્વિનીમાં 12, યુનિટીમાં 12, એમરીમાં 10, સ્પંદનમાં 8, શાશ્વતમાં 13, ટી સ્ક્વેરમાં 13 અને અપરામાં 26 કોરોના પેશન્ટ 17મી એપ્રિલે દાખલ થયા હતા. અત્યાર સુધીમાં એસકેએચમાં 254, અંજલિમાં 23, સીએચ આણંદમાં 14, એસએસ પેટલાદમાં 23 અને હોમ આઈસોલેશનમાં 44 પેશન્ટ છે. આણંદમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 19 મોત થયાં છે. ઓક્સિજન પર 87 પેશન્ટ છે જ્યારે વેન્ટીલેટર પર 9 પેશન્ટ છે. 369ની તબિયત સ્થિર છે.
આણંદમાં માર્ચ 2020થી શરૂ થયેલા કોરોનાના આતંકમાં અત્યાર સુધીમાં કુલ 2,68,250 ટેસ્ટ થયા છે જેમાંથી 2,64,436 નેગેટિવ જ્યારે 3814પોઝિટિવ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી 3323ને ડિસ્ચાર્જ કરાયા છે.
આણંદ જિલ્લામાં રવિવારે 91 કેસ નોંધાયા હતા. જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતાં એવું લાગે છે કે દિવાળી પછી ચરોતરમાં જે સ્થિતિ હતી તેવી જ સ્થિતિ આ વખતે પણ આવી શકે છે અને તેનાથી પણ ખતરનાક સિનાર્યો સર્જાઈ શકે છે. એવું પણ કહેવાય છે કે મિલ્ક સિટીમાં આરોગ્ય સત્તાવાળાઓ જાણીજોઈને મોતના અને કેસના આંકડા ઓછા બતાવી રહ્યા છે જેથી લોકોમાં પેનિક ન ફેલાય.
છેક દિવાળીથી આણંદમાં સત્તાવાળાઓ 17 મોત બતાવતાં આવ્યા છે જ્યારે જિલ્લાનાં સ્મશાનોમાં લાશોની અંતિમક્રિયાઓ અટકવાનું નામ લેતી નથી. દિવાળી પછી સત્તાવાળાઓએ આણંદ જિલ્લામાં કુલ 19 મોત બતાવ્યાં છે પણ આ આંકડાઓ પર કોઈ ભરોસો થાય તેમ નથી, તેમ લોકો કહે છે. સ્મશાનોમાં મૃતદેહો લાઈનમાં અંતિમક્રિયા માટે આવતા હોય છે તેમ લોકોનું કહેવું છે.