ચરોતરની જાણીતી કહેવતોઃ સમૃદ્ધિ, મોટાઈ, બડાઈ, સાહસિકતા, ઉદારતા અને એબનું પ્રતિબિંબઃ દરેક ગામ પોતપોતાના સ્વભાવ પ્રમાણેની કહેવતો ધરાવે છે
ડો. રમણભાઈ પી. પટેલ
કંઠસ્થ લોકસાહિત્યનું એક લઘુસ્વરૂપ કહેવતો છે. સમગ્ર પ્રદેશમાં પ્રચલિત આ કહેવતો વિશષતઃ ગ્રામજનો દ્વારા તેમના રોજિંદા વ્યવહારમાં અનાયાસે પ્રયોજાય છે. પ્રત્યેક પ્રદેશના અમુક ચોક્કસ નાનકડા વિસ્તારમાં સ્થાનિક કહેવતો પ્રચલિત હોય છે. ચરોતર તરીકે ઓળખાતા આણંદ-ખેડા જિલ્લાની પ્રજાનું પણ લોકસાહિત્ય છે. આ વિસ્તારનાં લોકગીતો-લગ્નગીતો, લોકવાર્તાઓ છે તેમ સ્થળનામી, ગ્રામલક્ષી ચરોતરી કહેવતો પણ છે. અલબત્ત, તેમાંની ઘણીખરી કહેવતો નામશેષઃ થવા પામી છે. ચરોતરની ગ્રામલક્ષી કહેવતોમાં ચરોતરનાં વિવિધ ગામોનું, ગ્રામવાસીઓનું કેટલીક સાચી યા આરોપિત લાક્ષણિકતાઓનું નિરૂપણ થયું છે. તેમાંથી જે તે ગામ અને લોકો વિશેના અન્ય લોકોમાં પ્રચલિત ખ્યાલોનું પણ દર્શન થાય છે. જે તે ગામની ભૌગોલિક,સામાજિક, સ્વાભાવિક ખાસિયતો-ખૂબીઓ અને ખામીઓ તેમાં સૂત્રાત્મક ભાષામાં અભિવ્યકિત પામી છે. અમુક ગામો યા લોકવિશેષની સમૃદ્ધિ, મોટાઈ, બડાઈ, સાહસિકતા, ઉદારતા, લુચ્ચાઈ, દાંડાઈ, કાયરતા આદિ એબોનું પણ તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સૂચન હોય છે. જે-તે ગામ યા ગામવાસીઓ એવી એબોથીયુક્ત હોય જ છે એવું હોતું નથી, પરંતુ તેમની અમુક લાક્ષણિકતા-ખાસિયતોનું તેમાં કંઈક અંશે પ્રતિબિંબ અવશ્ય પડતું હોય છે.
ચરોતરમાં પ્રચલિત ઘણી ખરી કહેવતોમાં જે તે ગામના લોકોને અણગમતા સ્વભાવનું નિરુપણ થયેલું જોવા મળે છે. તેમના સ્વભાવની ઉદંડતા, લુચ્ચાઈ, ખટપટ અને કાવાદાવાયુક્ત વૃત્તિ-પ્રવૃત્તિ વગેરેનું તેમાં સૂચન છે. દાખલા તરીકે, પેટલાદ તાલુકાના નાર ગામના લોકો, ખરી કે ખોટી રીતે તેમની સાહસિકતા, ચતુરાઈ, લુચ્ચાઈ, કાવાદાવાયુક્ત પ્રવૃત્તિઓ માટે કહેવતોમાં સ્થાન પામ્યા છે. જેમકે, ‘નારિયો અને કાગડો જ્યાં ત્યાં અથડાય’ ‘જ્યાં હોય કાગડો ત્યાં હોય નારિયો.’ આ કહેવતોમાં વ્યંગ બાદ કરીએ તો તેમાં રહેલું સત્ય પણ પ્રતીત થશે. નાર ગામના વતનીઓ તેમની હોંશિયારી અને સાહસિકતાને કારણે દેશ-વિદેશમાં પ્રસરી ગયા છે એ હકીકતનું પ્રતિબિંબ આ કહેવતમાં પડ્યું છે. નાર ગામની જેમ પેટલાદ તાલુકાના ચાંગા ગામ અને આણંદ તાલુકાનું ઓડ ગામ પણ ત્યાંના લડાયક મિજાજના લોકો માટે જાણીતાં છે. તેમની સાચી કે આરોપિત ઉદંડતાનું આલેખન કેટલીક કહેવતોમાં થયું છે. દા.ત. ‘ઓડ માથા ફોડ’, ‘ચાંગાના સૌ નાગા.’ ઉપરાંત, કેટલાક માથાભારે ગણાતાં ગામો વિશે પણ આવી જ કહેવતો મળે છે. જેમકે, ‘નાવલીમાં કદી ન્યાય નહિ, ને નાપા લે એનું આપે નહીં,’ ‘ચુણેલ, ચકલાશી ને ચાંગા, નામ દે તો એના ભાંગે ટાંગા.’ આણંદ તાલુકાના લીંગડા ગામના લોકોને અનુલક્ષીને પણ આવી કહેવત પ્રચલિત થઈ છે- ‘લાવ કટારી લીંગડે જાઉં’- અર્થાત્ લીંગડા ગામે જવું હોય તો સ્વબચાવ માટે સાથે કટારી લઈને જવું સલાહભર્યું છે! કપડવંજ, નડિયાદ, ખંભાત, કઠલાલ, મહુધા, સામરખા, જોળ, મહેળાવ, પીજ, પલાણા, વસો, નાવલી, નાપાડ વગેરે ગામના લોકોની કેટલીક એબો કહેવતોમાં રમૂજી રીતે સ્થાન પામી છે. દા.ત. ‘કપડવંજમાં કપટી વસે, કઠણ વસે કઠલાલ, મહુધામાં ઊંધા વસે, ચોર વસે નડિયાદ,’ ‘અમદાવાદી હરામજાદી,’ ‘ખંભાતી ગોઝારી, વડોદરાની વાંકી નારી, સૂરતની બલિહારી,’ ‘અંડા ગંડા નરસંડા, ફરીને આવજે ઉત્તરસંડા,’ ‘જમી જાય જોળિયો, ને માર ખાય મહેળાવો,’ ‘સામરખાના સો મૂરખા, આગળ જાતાં હજારપૂરા(અજરપુરા),’ ‘પીજ પલાણા ને વસો, ઘસાય એટલું ઘસો,’ ‘નાવલી જાય કે નાપાડે, કદી ન તેઓ હા પાડે,’ ‘આ તો કઠલાલ ગામ, વળે તો વહાણ, નહિ તો પથ્થર પહાણ.’ ‘આવી મહીને ચિંતા થઈ, ઊતર્યા મહીને ચિંતા ગઈ’- જૂના કાળમાં ચોર-લૂંટારાના રહેઠાણવાળા નહી નદીનાં કોતરોમાંથી પસાર થતાં અને પછી તેમાંથી બહાર નીકળતાં પથિકોની થતી ચિંતાગ્રસ્ત માનસિક સ્થિતિનું દર્શન આ કહેવતમાં થયું છે.
કેટલાંક ગામોના લોકો તેમના ખોટા દેખાવ, આડંબર, બડાઈ વગેરેને કારણે કહેવતોમાં ઉપહાસનો ભોગ બન્યા હોય છે. સ્વાર્થ માટે સગાં-સંબંધીઓની પણ કશી પરવા ન કરનાર આપમતલબી લોકોનાં ગામ-લત્તા પણ કહેવતોમાં ટીકાપાત્ર બન્યાં છે. જેમકે, ‘વાડ, ખાડ ને વગો, ન થાય કોઈનો સગો’ નામની કહેવતમાં લખાવાડ, કાકરખાડ અને દેસાઈવગો ગામના ફળિયાઓની સ્વાર્થવૃત્તિની ટીકા છે. આર્થિક રીતે સમૃદ્ધ અને સામાજિક રીતે પ્રતિષ્ઠિત ગણાતા 6 ગામના પાટીદારોનો માન-મોભો ઊંચો ગણાય છે. આમ છતાં, કહેવતોમાં તેમની બદલાયેલી સ્થિતિનું જુદું જ વર્ણન કરે છે. દા.ત. ‘ધર્મજમાં નહિ ધાન, ને ભાદરણ નરી ભૂખ, સારું બિચારું ઝરોળા, કોકડીઓનું તો સુખ’ ‘ધર્મજના ધાણકા, ને ખાવાપીવાના સાણકા,’ ‘વસોના ઘર રૂપાળા પણ ખાવા પીવાના ઉપાડા.’ એથી ઉલટું, આર્થિક સામાજિક રીતે પાછળ પણ દેખાડો કરવામાં શૂરા-પૂરા નાનકડા ગામ નિરમાલીના લોકોની વૃત્તિઓ આ કહેવતમાં જોવા મળે છે- ‘નિરમાલી નવાજણા, દાંડિયા રમે ત્રણ જણાં, પહોળા રહો-જગ્યા કરો, એવી બૂમો પાડે ઘણાં.’ ઓડ-ઉમરેઠના કૂવાઓમાં પાણી ભરવાનું દુઃખ હતું એટલે દીકરી ત્યાં પરણાવી હોય તો તેના મા-બાપને દોષ દેતી આવી કહેવત હતી- ‘ઓડ-ઉમરેઠના ઊંડા કૂવા, દીકરી દે તેનાં મા-બાપ મૂઆ.’ સમૃદ્ધ ઠાસરા ગામ અને પડોશના કંગાલ ગામ સેવાલિયાની સ્થિતિ દર્શાવતી કહેવત-‘ઠાસરા પાલી ને સેવાલિયા ખાલી’ જાણીતી છે.
ખંભાત તાલુકાના મુસ્લિમ વસતીવાળા જલ્લા ગામની ખારાપટથી સભર સીમમાં પલડાં સિવાય બીજું કોઈ વૃક્ષ જોવા મળતું નથી. આવી વિલક્ષણ સ્થિતિથી એક રમૂજી કહેવત બની છે- ‘ઉપર અલ્લા ને નીચે જલ્લા.’ તેમજ ‘સીમમાં વરખડા ને ગામમાં તરકડા.’કરકરસિયા ગામ આશી ગામ વિશેની કહેવત છે- ‘તેર તાંહરિયું આશી, રોટલા થાય વાસી, તોયે કદી ન એમનાં સંઘ જાય કાશી.’ નડિયાદથી પૂર્વ દિશામાં આવેલું સલુણ અને પશ્ચિમ દિશામાં આવેલા ડભાણ ગામનો બધો વ્યવહાર પડોશના નડિયાદ નગર સાથે હોવાથી બેઉ ગામના લોકોને નોકરી-ધંધા માટે દરરોજ સવારે નડિયાદ આવવાનું થાય અને સાંજે પોતાને ગામ પાછા ફરવાનું બને ત્યારે સલુણના લોકોને સવાર-સાંજ સૂર્ય પીઠ પાછળ હોય, જ્યારે ડભાણના લોકોને સવાર-સાંજ સૂર્ય આંખ-મોં સામે હોય. આવી ભૌગોલિક સ્થિતિથી તે ગામના લોકોની કેવી અગવડભરી સ્થિતિ થાય તેને અનુભવીને કહેવત પ્રચલિત છે-‘સલુણના સુખિયા ને ડભાણના દુઃખિયા.’
કેટલાંક ગામો તેની વિશિષ્ટતાને કારણે લોકોનું લક્ષ ખેંચનારાં બન્યાં છે. આવાં ગામો તેમની કશીક જાણીતી વસ્તુ યા સગવડને કારણે કહેવતોમાં સ્થાન પામ્યા છે. દા.ત. ‘કરમસદની કહોડી, કાઠિયાવાડની ઘોડી ને પલાણીની છોડી,’ ‘ધર્મજના કોસિયા ને વીરસદના કાછિયા,’ ‘બળદ શેખડીની ને ભેંસ નારની,’ ‘પીજની પાળી કંઈ પેટમાં મરાય?’ નડિયાદ તાલુકાના દાવડા ગામમાં પહેલાં દૂધનો ગૃહઉદ્યોગ મોટા પ્રમાણમાં ચાલતો હોવાથી દૂધને ઉકાળીને તેમાંથી માવો બનાવવા માટે ગામમાં જ્યાં ત્યાં સળગતા ચૂલા પર તાવડા જોવા મળે. તે પરથી કહેવત પ્રચલિત થઈ- ‘દહેગામ ને દાવડા, રોજ મેલે તાવડા.’ કેટલીક કહેવતોમાં વિવિધ ગામોની પરસ્પર તુલના કરીને તે ગામની યા ગામના લોકોની પક્કાઈ, કઠણાઈ, કંજૂસાઈ જેવી સ્વભાવગત લાક્ષણિકતાઓની વૃત્તિને વ્યક્ત કરવામાં આવી છે. દા.ત. ‘નાડા માટે નડિયાદ જવું,’ ‘પાઈ માટે પેટલાદ જવું,’ ‘નવ ટાંક માટે નડિયાદ જવું,’ ‘નવ નડિયાદી બરાબર પાંચ પેટલાદી,’ ‘નવ નડિયાદી, બે બોરસદી ને એક અમદાવાદી,’ ‘સો નડિયાદી બરાબર એક ભડિયાદી.’ સમગ્ર રીતે જોઈએ તો, ચરોતરની પ્રજા અને એના સમાજજીવનની વિશેષતા, રહેણીકરણ, રીતરસમ, મર્યાદાનું દર્શન કરાવનાર આ કહેવતો ઉલ્લેખિત ગામો અને તેના લોકોની અગાઉ કેવી સ્થિતિ હશે તેનો જીવંત દસ્તાવેજ છે. ભોજનમાં જેમ પ્રમાણસરનું મીઠું ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે તેમ લોકવ્યવહારની-ભાષાની અસરકારક અભિવ્યક્તિ માટે આ લોક કહેવતોનું પણ એટલું જ મહત્વ છે. વિસરાતી વિરાસતસમી આ કહેવતો વિલુપ્ત થતા સમાજજીવનના એક જીવંત દસ્તાવેજ તરીકે નવી પેઢી માટે પણ પરિયાચક બની રહે છે.
Very nice
નારિયા નાગા અને કુલે ધાગા એ કહેવત પ્રચલિત છે.
Enjoyed reading
ખૂબ સરસ આર્ટિકલ… અમારા વતન સાવરકુંડલા માં નાવલી નદી વહે છે. અને આખા ભારતની આ એક જ નદી છે જેનું વહેણ ઉલ્ટુ છે. અમે મજાક માં કહીયે કે નાવલીના વહેણ ઉલ્ટા એમ માણસના મગજ પણ ઉલ્ટા ચાલે છે.
Nice article.
Great Charotar. Proud to be part of it.