કવિ ન્હાનાલાલ કહે છે, ચરોતર એની ફ્ળદ્રુપ રસકુંજોથી મુગ્ધ છે. ગાંધીજી તેને સરસ લીલોતરી અને સુંદર વૃક્ષોવાળું ઉપવન કહેતા. મહીકાંઠા અને વાત્રકકાંઠા વચ્ચેના 400 ગામના પ્રદેશને એક સમયે ચરોતર તરીકે ઓળખવામાં આવતો હતો
આણંદ
સંસ્કૃત ભાષામાં ‘ચારૂ’ શબ્દનો અર્થ થાય છે સુંદર, રમણીય. ‘તર’ એ તુલનાવાચક સંસ્કૃત પ્રત્યય છે. અન્યની તુલનામાં સુંદરતા દર્શાવવા માટે ‘ચારૂતર’ શબ્દનો પ્રયોગ થાય છે. બોમ્બે ગેઝેટિયરમાં મહી અને વાત્રક નદી વચ્ચેના પ્રદેશને ‘ચરોતર’ તરીકે ઓળખાવાયો છે. ‘ચરોતર’ શબ્દ કેવી રીતે બન્યો છે તે અંગેની ચર્ચા તેના અર્થ જેટલી જ રસપ્રદ છે. ચરોતર સર્વસંગ્રહ અને શોધગંગામાં આપેલા કેટલાક સંદર્ભો અને ઉલ્લેખો મનને તરબતર કરે તેવા છે.
ડો. મંજુલાલ ર. મજુમદારે તેમના એક લેખમાં લખ્યું છે તે પ્રમાણે ‘पेटलापद्रप्रभुति चतुरुतरंशतम्’ એ સંસ્કૃત સમૂહમાંના છેલ્લા બે શબ્દોમાંથી ‘શતમ્’નો લોપ થતાં બાકી રહેતા ‘चतुरुतरं’ ઉપરથી ‘ચરોતર’ શબ્દ બનેલો છે. હેમ પ્રાકૃત વ્યાકરણના અધ્યાય આઠ પ્રમાણે ‘ત’નો લોપ થતાં ‘चउरुतर’ અને તે પરથી બનેલા ‘ચિરોતર’, ‘ચિડોતર’, ‘ચારોતર’ એવા શબ્દો મળી આવે છે.
નિષ્ણાતો કહે છે કે ‘ચરોતર’ શબ્દ સંખ્યાવાચક છે, જમીનવાચક નથી. 13મી સદીમાં વિનયચંદ્રસૂરિએ પોતાના ‘કાવ્યશિક્ષા’ નામના ગ્રંથમાં ‘ચરોતર’ શબ્દની સમજ આપતાં લખ્યું છે કે ‘पेटलापद्रप्रभुति चतुरुतरंशतम्’ નો અર્થ પેટલાદ તથા આસપાસનાં 104 ગામનો સમૂહ એવો થાય છે. અર્થાત્ આ સમૂહ એટલે ચરોતર. ભાટ લોકો પણ ચારસે ચરોતરની પ્રશસ્તિઓ ગાય છે, તેમ ઐતિહાસિક નોંધમાં લખ્યું છે. આ ઉપરથી એમ માનવામાં આવે છે કે ચારસે ચરોતર એટલે 4 અને 100 ગામોનો સમૂહ. એટલે કે ચરોતર. કવિઓએ પણ ચરોતરની ગાથાઓ ગાયેલી છે.
કવિ ન્હાનાલાલ કહે છે કે, ચરોતર એની ફ્ળદ્રુપ રસકુંજોથી મુગ્ધ છે. જેમ્સ કિનલોક ફાર્બસે ચરોતરને ઉત્તમ ખેતી અને રમ્ય વૃક્ષોથી દીપતો રમણીય પ્રદેશ કહ્યો છે. ગાંધીજી તેને સરસ લીલોતરી અને સુંદર વૃક્ષોવાળું ઉપવન કહેતા હતા. ભાઈકાકાના શબ્દોમાં ‘ચરોતર’ એટલે એક નાના ‘ચરુ’ જેટલા પાણીથી જે જમીન તરબતર થઈ જાય એ જમીનવાળો પ્રદેશ. ચરોતર તેની ફળદ્રુપતા, રસાળતા અને સમૃદ્ધિના કારણે ચરોતર અથવા ચારુતરના નામથી પ્રસિદ્ધ છે. મહીકાંઠા અને વાત્રકકાંઠા વચ્ચેના 400 ગામના પ્રદેશને એક સમયે ચરોતર તરીકે ઓળખવામાં આવતો હતો. ચરોતરની ચારે દિશાએ તરુ, તમાકુ અને તુર ફેલાયેલાં છે.
કેટલાક ઉલ્લેખો પ્રમાણે વાસ્કો દ ગામા અમેરિકાની શોધમાં નીકળ્યો હતો ત્યારે સમુદ્રમાં અધવચ્ચે ક્યાંક અટવાઈ ગયો હતો. ચરોતરના ખંભાત બંદરના કાનજી નામના ખલાસીએ વાસ્દો દ ગામાને કાલિકટ બંદરે પહોંચાડ્યો હતો. તળ ચરોતર તરીકે ઓળખાતા આણંદ અને બોરસદ તાલુકામાં મહીસાગર નદીના કાંઠા ઉપર અસંખ્ય કોતરો છે.
એક વખતે આ કોતરોમાં બહારવટિયાઓ સંતાઈને રહેતા હતા. ‘માણસાઈના દીવા’ એવા રવિશંકર મહારાજે આ બહારવટિયાઓને સમાજના મુખ્યપ્રવાહમાં લાવવાનું સાધુકર્મ કરેલું અને અંગ્રેજ સરકારમાં ફરજિયાત હાજરી(શોષણ)નો નિયમ રદ કરાવેલો. આજે આ કોતરો ચોમાસામાં પાણીથી ભરાઈ જાય ત્યારે કાશ્મીર કે હિમાચલની વાદિઓ જેવી લાગતી હોય છે. પાંચેક દાયકા પહેલાં આ કોતરોને સમથળ કરીને ત્યાં ઉદ્યોગો સ્થાપવા, ખેતી કરવા કે માનવ વસાહત બનાવવા માટેની વિચારણા કરાયેલી પણ તેમાં કશું નક્કર થઈ શક્યું નથી.
મહીકાંઠાના આ કોતરો સિવાયનો આણંદ અને બોરસદ તાલુકાનો પ્રદેશ અતિશય ફ્ળદ્રુપ છે. મહીસાગરનો કાંપ આ જમીનને ફળદ્રુપ બનાવે છે. આણંદ જિલ્લાનો તમાકુનો સૌથી વધુ પાક આ જમીનમાંથી આવે છે. વાત્રક અને મહીસાગર નદીનાં પૂરના પાણી જ્યાં ભેગાં થતાં તે જગ્યાઓએ ચોમાસાનું પાણી ભરાઈ રહેતું હતું. અહીં નદીઓનો કાંપ ઓછો રહેતો હતો એટલે ફળદ્રુપતા પણ ઓછી. આ વિસ્તારને ક્યારીનો પ્રદેશ કહેવાય છે. વાત્રક નદીના ઉત્તરના પ્રદેશને દશકોશી કહે છે.
અહીંથી અંદાજે દસકોશ એટલે કે ત્રીસ માઈલ સુધીની જમીન ક્યારી જમીન છે. કાંપ ઓછો હોવાથી અહીંના ખેતરોમાં ડાંગરનો પાક સારો એવો લેવાય છે. ખેડા જિલ્લાની નદીઓ જ્યાં દરિયાને મળવા આવે છે તે ચરોતરનો પ્રદેશ ભાલબારાનો પ્રદેશ છે. નદીઓમાંથી ઢસડાઈને આવતો કાંપ દરિયામાં જતો રહેવાથી અહીંની જમીનની ફળદ્રુપતા ઓછી છે. વર્ષોના ઘાસના કોહવાણથી અહીંની જમીનનો રંગ કાળો થઈ ગયો છે. જમીન ઘસાઈ ઘસાઈને નીચે થઈ ગઈ છે. ચરોતરના કપાળ એવા આ પ્રદેશમાં ખાડો થઈ ગયો હોવાથી તેને સંસ્કૃતમાં ભાલ તરીકે ઓળખવામાં આવે છે.
અત્યારે ચરોતર પંથકમાં બે જિલ્લા આણંદ અને ખેડા આવેલા છે. શેઢી અને વાત્રક નદીના સંગમસ્થાન ઉપર આવેલું ખેડા પુરાતન મનાય છે. ખેડા જિલ્લાનું નામાભિધાન ખેડા ગામ પરથી થયાનું ઈતિહાસમાં લખાયું છે. ખેડા ગામને સંસ્કૃત લખાણોમાં ખેટક તરીકે ઓળખાવાયેલું છે.
પ્રાચીન સમયથી અહીં કોઈ નગર વસેલું હશે એટલે વાત્રક અને શેઢી નદી વચ્ચેના પ્રદેશને ‘ખેટક મંડળ’ કે ‘ખેટક પંથક’ના નામે ઓળખાવાતો હશે, તેમ ચરોતર સર્વસંગ્રહમાં લખાયું છે. ખેડા જિલ્લો આમતો પહેલેથી જુદો છે પણ 1830માં અંગ્રેજોએ તેને અમદાવાદ જિલ્લાનો એક ભાગ ગણી કાઢેલો. તે પછી 1833માં તેને સ્વતંત્ર જિલ્લા તરીકે ફરી સ્થાપિત કરાયો હતો.
14મી સદી સુધી આણંદનો કોઈ લખેલો ઈતિહાસ નથી. પણ એવું મનાય છે કે હાલનું આણંદ આનંદગિરી નામના ગોસાઈએ ઈસવીસન 1400માં વસાવ્યું હતું. આણંદ જિલ્લા કે ગામનો પ્રારંભ હાલમાં જ્યાં જાગનાથ મહાદેવ કે લોટિયા ભાગોળ છે ત્યાંથી શરૂ થયો હોવો જોઈએ. ખેતીવાડી કેમ્પસ તરફ જવાના માર્ગ ઉપર આવેલા જાગનાથ મહાદેવના મંદિરના બાંધકામ દરમિયાન પ્રાચીન કહી શકાય તેવી ઈંટો મળી આવી હતી. પુરાતત્વવિદો આ ઈંટો ગુપ્ત સમયની હોવાનું કહે છે.
જાગનાથ મહાદેવથી ત્રણ કિલોમીટર હાડગુડ ગામ છે. અહીંથી આગળ જતાં કોતરોનો વિસ્તાર આવે છે. ઈસવીસન 1951માં એક પરસોત્તમ દેવજીભાઈ પટેલના મકાનના કંપાઉન્ડમાં નગરપાલિકાના વિસ્તરણ માટે ખોદકામ કરાયું ત્યારે 2000 જેટલા પ્રાચીન ચાંદીના સિક્કા મળી આવ્યા હતા. આ સિક્કાઓ ગુપ્તવંશના રાજાકુમાર ગુપ્ત(ઈસવીસન 415થી 455)ના હોવાનું ઈતિહાસવિદો કહે છે. ગુપ્ત સામ્રાજ્યના શાસન પછી આણંદનો ઈતિહાસ છેક ઈસવીસન 609માં જોવા મળે છે. કલચુરી(કટરપુરિ) રાજા બૃદ્ધરાજનાં મળેલા તામ્રપત્રોમાં આનંદપુરનો ઉલ્લેખ છે. આનંદ- આનંદપુર નગર કાળક્રમે આણંદ બની ગયું હશે.
ભારતમાં સહકારી પ્રવૃત્તિઓનું પારણું અને ઝુંબેશ ચરોતરથી શરૂ થયેલું કહીએ તો ખોટું નથી. હરિયાળી ક્રાંતિ, હરિત ક્રાંતિ, દૂધ ક્રાંતિ કે શિક્ષણ ક્રાંતિ ચરોતરની ભૂમિ પરથી થયેલી છે. ચરોતરના ડેરી વિકાસે તો પૂરી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. સાથે ઉદ્યોગ અને વેપારક્ષેત્રમાં પણ ચરોતરની નામના છે.