કોરોના સંકટને કારણે એકબીજાંથી છૂટાં પડી ગયેલાં પતિ-પત્ની કે
સંબંધીને ભેગાં કરવા માટેની વિઝા અરજીઓનો ઝડપથી નિકાલ કરાશે
ટોરન્ટો
કેનેડા સરકારે સ્પાઉસલ એપ્લીકેશન પ્રોસેસિંગ વધુ ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો છે. મતલબકે, પતિ અથવા પત્નીને કેનેડામાં એન્ટ્રી મળે તે હેતુથી સરકાર હવેથી વિઝા પ્રોસેસિંગ એકદમ ઝડપથી આગળ વધારશે. જે લોકો કોવિડ-19 બીમારીને કારણે આવી પડેલા લોકડાઉનને પગલે એકબીજાંથી છૂટાં રહી ગયાં છે તેમને એકબીજાથી મેળવવા માટે કેનેડા સરકાર આતુર છે. સાદા અર્થમાં કહીએ તો પતિ કેનેડામાં હોય અને પત્ની આણંદ કે નડિયાદમાં રહી ગઈ હોય તો આવી, વિરહિણી નારીને માટે વિઝા પ્રોસેસિંગ વધુ ઝડપથી થાય તે દિશામાં કેનેડા સરકાર કામ કરી રહી છે. નોંધનીય છે કે કોરોના સંકટમાં દુનિયાના તમામ દેશોએ તેમની બોર્ડર બંધ કરી દીધી હતી પણ સૌથી પહેલી ખોલવામાં કેનેડાનું નામ આગળ આવે છે. કેનેડાએ સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન્સ સહિતનાં લોકો માટે પોતાની બોર્ડર ઓલમોસ્ટ ખોલી નાંખી છે. જોકે, તેના માટે કેટલાક નિર્દેશો અને નિયમોનું પાલન ફરજિયાત છે.
વેલ, ઈમીગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિજનશીપ કેનેડા(IRCC) દ્વારા સ્પાઉસલ એપ્લીકેશન વધુ ઝડપથી સ્વીકારવામાં આવે અને તેમનો વેઈટિંગ ટાઈમ ઘટી જાય તે હેતુથી આધુનિક ટેકનોલોજીનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે. બાયોમેટ્રિક્સ પગલાં સાથે IRCC બીજો એક પ્રોજેક્ટ પણ હાથ ધરી રહી છે. આ મુજબ દૂરદરાજના શહેર કે વિસ્તારમાં કોઈ રહેતું હોય અને તેણે કેનેડા સ્પાઉસલ-એટલે કે પતિ કે પત્ની અંતર્ગત વિઝા એપ્લીકેશન કરી હોય તો ટેકનોલોજીનો સહારો લઈને આવા અરજીકર્તાનો ઈન્ટરવ્યૂ ત્યાંનો ત્યાં થઈ જાય તે માટેની વ્યવસ્થા પણ કેનેડા સરકાર વિચારી રહી છે. 31મી ઓક્ટોબર સુધીમાં કેનેડાની વિચારણા 2000 સ્પાઉસલ એપ્લીકેશનને ફાઈનલ કરી દેવાની છે. ડિસેમ્બર 2020 સુધીમાં આવી 18,000 અરજીઓનો નિકાલ કરવાનો IRCCનો ટાર્ગેટ છે. આ રીતે કામગીરી હાથ ધરીને IRCC કુલ 49,000 અરજીકર્તાઓને એન્ટ્રી આપવા માટે કવાયત કરી રહી છે. ગુજરાતમાંથી જે લોકોએ આ પ્રકારની એપ્લીકેશન કરી હોય તેમણે હવે બહુ રાહ જોવી નહીં પડે અને જેમણે આવી અરજી કરી નથી તેમણે અત્યારથી જ એ અરજી કરી દેવી જોઈએ.
આ સાથે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. અહીં કેટલાક સવાલો સાથે જવાબો આપ્યા છે તે અરજદારે જોઈ લેવા જરૂરી છે. દાખલા તરીકે,
સવાલઃ કેનેડામાં પરમેનન્ટ રેસિડન્ટ કોણ બની શકે છે?
જવાબઃ સ્પોન્સર જો એલિબિજલ હોય તો, તે પોતાના પતિ કે પત્ની, પાર્ટનર કે ડિપેન્ડન્ટ ચિલ્ડ્રનને બોલાવી શકે છે.
સવાલઃ આ માટેની ફી કેટલી છે?
જવાબઃ સ્પાઉસ અથવા પાર્ટનર માટે 1,050 કેનેડિયન ડોલર, બાળક માટે કેનેડિયન 150 ડોલર.
સવાલઃ પ્રોસેસિંગમાં ટાઈમ કેટલો લાગી શકે?
જવાબઃ જે વ્યક્તિને સ્પોન્સર કરવામાં આવી હોય અને તે કેનેડાની બહાર રહેતી હોય તેણે ઓછામાં ઓછા 12 મહિનાની રાહ જોવી પડે. પ્રોસેસિંગ ટાઈમમાં બાયોમેટ્રિક્સ પણ સામેલ છે. આ ઉપરાંત કેનેડામાં જે વ્યક્તિ રહે છે તે સ્પોન્સર કરવા માટે સક્ષમ છે કે કેમ તેની તપાસમાં પણ ત્યાંની એજન્સીઓને સમય લાગી શકે છે.
સવાલઃ સ્પાઉસલ એપ્લીકેશનમાં કોણ સ્પોન્સર કરી શકે છે?
જવાબઃ સ્પાઉસ. જે લોકો કાયદેસર રીતે પરણેલાં છે અને તેમનું લગ્ન જીવન 18 વર્ષ જૂનું છે. કોમન લો- પાર્ટનર. ઓછામાં ઓછું 18 વર્ષ જૂનો સંબંધ. કાયદેસર પરણ્યાં નથી પણ, છેલ્લાં 12 મહિનાથી સ્પોન્સરની સાથે રહે છે. કોન્જુગલ પાર્ટનર, ઓછામાં ઓછું 18 વર્ષ જૂનો સંબંધ. કેનેડાની બહાર રહેતી-રહેતો હોય અને ઈમીગ્રેશન તેમજ લીગલ કારણોથી આવી શક્યો-શકી ન હોય. સ્પોન્સર સાથે તેની રિલેશનશીપ ઓછામાં ઓછી એક વર્ષની હોવી જરૂરી છે.
સ્પોન્સરની એલિજિબિલીટી પ્રમાણે તેની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. સ્પોન્સર કરનાર વ્યક્તિ કાં તો કેનેડાની પરમેનન્ટ સિટિજન/પરમેનન્ટ રેસિડન્ટ, અથવા તો કેનેડામાં કેનેડિયન ઈન્ડિય એક્ટ અંતર્ગત ઈન્ડિયન તરીકે રજિસ્ટર્ડ થયેલી હોવી જોઈએ. સ્પોન્સર જેને પણ ઈન્ડિયાથી બોલાવે છે તેને આર્થિક અને નાણાકીય રીતે સાચવી-પાલવી શકે તેટલી સક્ષમ હોવી જરૂરી છે. જ્યારે પણ સ્પોન્સર કરવા માટેની અરજી કરવામાં આવતી હોય ત્યારે સ્પાઉસ પાર્ટનર કે બાળક માટે બે એપ્લીકેશન કરવાની રહે છે અને આ બંનેને એક સમયે જ સબમિટ કરાવવાની હોય છે. વ્યક્તિ માટેની સ્પોન્સરશીપ એપ્લીકેશન તેમજ કેનેડિયન પરમેનન્ટ રેસિડન્ટ એપ્લીકેશન એક સાથે જ સબમિટ કરાવવાની છે. એટલે કે તમે જેને કેનેડામાં બોલાવી રહ્યા છો તેની સ્પોન્સરશીપ અરજી તો તમારે કરવાની જ છે પણ સાથે સાથે તેના પીઆર માટે પણ એપ્લાય કરી દેવાનું છે.
સ્પાઉસ, પાર્ટનર કે બાળક માટે પ્રોસેસનાં બેઝીક 4 સ્ટેપઃ
સ્ટેપ 1- IRCCમાંથી એપ્લીકેશન પેકેજ મેળવવું
સ્ટેપ 2- એપ્લીકેશન ફીનું પેમેન્ટ.
સ્ટેપ 3- એપ્લીકેશન સબમિટ કરવી.
સ્ટેપ 4- પ્રોસેસિંગ દરમિયાન એડિશનલ માહિતી પૂરી પાડવી.
સ્પાઉસલ એપ્લીકેશન સક્સેસફુલ થશે પછી, દરેક કપલે પોતાની રીતે કેટલીક જવાબદારીઓ નિભાવવાની આવશે. આગામી ત્રણ વર્ષ સુધી સ્પોન્સરે જેને ભારતમાંથી બોલાવી-બોલાવ્યો છે તેના ખર્ચા-પાણી અને જોખમ ઉઠાવવાનાં રહેશે. જે વ્યક્તને સ્પોન્સર કરવામાં આવેલી છે તે આગામી પાંચ વર્ષ સુધી પોતાની રીતે કોઈને પણ સ્પોન્સર કરી શકે નહીં.
કેનેડાએ અગાઉ ઈમીગ્રન્ટ્સ અંગે મહત્વના નિર્ણયો કર્યા હતા. આ મુજબ કેનેડાના સિટિજન અને પરમેનન્ટ રેસિડન્ટ્સ, ફોરેનના નાગરિકોનાં સંબંધીઓને કેનેડા આવવા માટે રાહત આપવામાં આવી હતી. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે પણ રાહત જાહેર કરવામાં આવી હતી. 8મી ઓક્ટોબર 2020થી કેનેડાના નાગરિકો અને પરમેનન્ટ રેસિડન્ટસના ફેમિબી મેમ્બર્સને કેટલીક શરતો સાથે એન્ટ્રી શરૂ કરાઈ હતી. એડલ્ટ બાળકો, ગ્રાન્ડ ચિલ્ડ્રન અને ગ્રાન્ડ પેરેન્ટ્સને પણ છૂટછાટ આપવામાં આવી હતી. જે લોકોને કેનેડામાં પ્રવેશ મળશે તેમણે ફરજિયાપણે 14 દિવસના કોરેન્ટીન નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. એટલે કે કેનેડા ગયા પછી તેમણે ઘરના રૂમમાં 14 દિવસ એકલા રહેવાનું જરૂરી બને છે. કેનેડામાં પ્રવેશવા માગતા લોકોની પાસે વેલિડ પાસપોર્ટ હોવો જરુરી છે. તે ઉપરાંત તેમણે કેનેડામાં રહેનારા લોકો તેમના સંબંધી છે તે પ્રસ્થાપિત કરવું પડશે. 20મી ઓક્ટોબરથી અમલી બને તે રીતે, ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કે જેઓ ડેઝિગ્નેટેડ લર્નિંગ ઈન્સ્ટીટ્યુટ(DLI)માં ભણી રહ્યા છે તેમને પણ પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે. આવા સ્ટુડન્ટ્સે પણ કેનેડામાં પ્રવેશ્યા પછી ફરજિયાતપણે 14 દિવસના કોરેન્ટીન પિરિયડમાં રહેવું પડશે. ઈમીગ્રેશન, રેફ્યુઝી એન્ડ સિટિજનશીપ કેનેડા (IRCC) એ તમામ ટ્રાવેલર્સને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જ્યાં સુધી તેમને કેનેડામાં પ્રવેશવા માટેની મંજૂરી ન મળી જાય ત્યાં સુધી તેમણે કોઈ પ્લાન તૈયાર કરવા નહીં. એટલે કે ટિકિટ બુક કરાવવી નહીં. મંત્રાલયની સૂચના પ્રમાણે, જે લોકો કેનેડામાં એન્ટર થઈ રહ્યા છે તેમણે કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સીના ઓફિસરો સાથે મળીને તેમના કોરેન્ટીન પ્લાન જણાવવા પડશે. બોર્ડર એજન્સી ત્યાંથી કોઈને પણ કેનેડામાં પ્રવેશતાં અટકાવી શકે છે અને તેમને પાછા તેમના દેશમાં મોકલી શકે છે.