બેરિસ્ટર વિઠ્ઠલભાઈની વકીલાત સામે હારી રહેલી અંગ્રેજ સરકારે જ્યારે કોર્ટ બોરસદથી આણંદ ખસેડી લીધી…

બેરિસ્ટર વિઠ્ઠલભાઈની વકીલાત સામે હારી રહેલી અંગ્રેજ સરકારે જ્યારે કોર્ટ બોરસદથી આણંદ ખસેડી લીધી…

વિઠ્ઠલભાઈ પહેલાં બેરિસ્ટર થવા વિલાયત ગયા. સુંદર યાદશક્તિ ધરાવતા વિઠ્ઠલભાઈની મહેનત ઉગી. ત્રણ વર્ષનો અભ્યાસક્ર્મ અઢી વર્ષમાં પતાવ્યો. પહેલો નંબર લાવ્યા અને 50 પાઉન્ડ ઈનામ જીત્યા. વિઠ્ઠલભાઈએ મુંબઈ આવીને વકીલાત માંડી

 

-પ્રા.ચંદ્રકાન્ત પટેલ

 

એક જમાનામાં અન્યાયના સામના માટે બહારવટાં ખેલાતાં. બહારવટિયા વિરોધીઓને હણતા. ગાંધીબાપુના બહારવટાની લડત એટલે અહિંસક લડત. અંગ્રેજો સામે એમણે બહારવટું ખેલ્યું. આમાં મરવાની વાત હતી. આઝાદી માટેની લડતના ગાંધીબાપુના બહારવટામાં ખેડા જિલ્લાના બે ભાઈ જોડાયા.બંને સગા ભાઈ. આ બાંધવ બેલડીના એક આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ. બંને કરમસદના વતની. પિતા ઝવેરભાઈ અંગ્રેજો સામે 1857માં ઝૂઝેલા. વિઠ્ઠલભાઈનો જન્મ ઈસવીસન 1873માં થયો હતો. આ રીતે મહાત્મા ગાંધી કરતાં ચાર વર્ષ નાના.

મેટ્રીક થયા પછી તે જમાનામાં વકીલ બની શકાતું. વિઠ્ઠલભાઈ વકીલ થયા. તેમણે ગોધરામાં વકીલાત આરંભી. વકીલાતમાં એમણે ખૂબખૂબ નામના મેળવી. ફોજદારી કેસ વિઠ્ઠલભાઈ હાથમાં લે એટલે જીતે જ. આવી એમની નામના થઈ. ગોધરા કરમસદથી દૂર પડે. બોરસદ નજીક પડે. આથી તે આ પછી બોરસદ આવ્યા અને ત્યાં વકીલાત માંડી. બોરસદમાં એમની વકીલાત ધમધોકાર ચાલી. એમનું કામ વધી ગયું. આથી પોતાના નાના ભાઈ વલ્લભભાઈને સાથી તરીકે બોરસદ બોલાવ્યા. બંને ભાઈની જબરી કોઠાસૂઝ, વહેવારુ જ્ઞાન અને હિંમતનો પાર નહીં. કેસમાં દરેક વિભાગમાં ઊંડા ઉતરે. નાનીનાની બાબતોને ધ્યાનમાં રાખે. પોલીસ ખાતાના મોટામોટા અમલદારો પણ બંને ભાઈથી ગભરાય. આવી ખ્યાતિને લીધે તેમને પહોંચી ન વળે એટલા કેસ મળે. પોલીસ કેસોમાં સદા એ જીતી જાય. પટેલ ભાઈઓ વારંવાર જીતે તેથી પોલીસ અમલદારોનો દાબ ઘટે. સરકારનો દાબ ઘટે, સરકારે આ વિચાર્યું.

સરકારે રસ્તો શોધી કાઢ્યો. બોરસદની કોર્ટ આણંદ ખસેડી. વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ બોરસદના વકીલ. આણંદમાં તેમની પાસે કોઈ નહીં જાય. વળી તેમને દોડધામ પડે માટે કામ ન લે. આવી બધી ગણતરી કરીને પગલું લીધું. આણંદમાં કોર્ટ શરૂ કરે એટલે મકાન જોઈએ, ફર્નિચર જોઈએ. ત્યાં મેજિસ્ટ્રેટને રહેવા માટે નવો ખર્ચ કરવો પડે એટલે કોર્ટનો ખર્ચ વધી ગયો. બંને ભાઈ વકીલાત માટે આણંદ હાજર થઈ ગયા. અહીં પણ તેમનો ડંકો વાગ્યો. સરકારી પોલીસ ખાતું હારતું જ ગયું. અંતે, બોરસદ કોર્ટ પાછી ફેરવી.

વલ્લભભાઈને બેરિસ્ટર થવાનો વિચાર આવ્યો. બેરિસ્ટર થવા વિલાયત જવું પડે. એ માટે તેમણે તૈયારી કરી. વી.ઝેડ. પટેલના નામે વધુ ભણવા માટે પ્રવેશ મેળવ્યો. વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ બંને માટે અંગ્રેજીમાં વી.ઝેડ.પટેલ જ લખાય. વિઠ્ઠલભાઈ કહે, ‘તું નાનો, હું મોટો. હું પહેલો જાઉં.’ વલ્લભાઈએ વાત કબૂલી અને વિઠ્ઠલભાઈ પહેલાં બેરિસ્ટર થવા વિલાયત ગયા. સુંદર યાદશક્તિ ધરાવતા વિઠ્ઠલભાઈની મહેનત ઉગી. ત્રણ વર્ષનો અભ્યાસક્ર્મ અઢી વર્ષમાં પતાવ્યો. પહેલો નંબર લાવ્યા અને 50 પાઉન્ડ ઈનામ જીત્યા. વિઠ્ઠલભાઈએ મુંબઈ આવીને વકીલાત માંડી. થોડા વખતમાં વિધુર થયા. વિધુર વિઠ્ઠલભાઈ ફરી પરણે માટે કેટલાય લોકોએ તેમને કહ્યું. વિઠ્ઠલભાઈએ સ્પષ્ટ ના પાડી દીધી. તેમનું મન ફકીરમાં ઢળ્યું. લોકસેવામાં તેમનું મન જાગ્યું. એવામાં બીમાર પડ્યા. આણંદમાં આરામ માટે આવ્યા. આણંદમાં બાજુમાં મામલતદાર રહે. ભેટસોગાદ ઉઘરાવ્યા કરે. બાદશાહીથી જીવે. ગરીબ ખેડૂતોનું શોષણ કરે. વિઠ્ઠલભાઈની ચકોર નજરે આ પરિસ્થિતિ જાણી. સડેલા સરકારી તંત્રને નાથવાનો વિચાર કરે, ઉપાય વિચારે. ધારાસભામાં જાય તો તે મારફતે સરકારી તંત્ર પર અંકુશ રાખી શકાય એમ તેમને લાગ્યું.

તે જમાનામાં ચૂંટણીઓનો અભાવ. ધારાસભાની ચૂંટણી આડકતરી રીતે થાય. અનેક આંટીઘુંટીઓ વચ્ચે આવે. અમુક ધન કે મિલકતવાળાને જ મત આપવાનો હક મળે. આવા મતદારો તાલુકાના પ્રતિનિધિ ચૂંટે. તાલુકાના પ્રતિનિધિ જિલ્લાના પ્રતિનિધિ ચૂંટે. જિલ્લાના પ્રતિનિધિ ધારાસભામાં બેસે. વિઠ્ઠલભાઈ ગોઠવણી કરીને ધારાસભામાં પહોંચ્યા. ધારાસભામાં ચૂંટાયેલા સભ્યો લઘુમતીમાં હોય તેવું સરકારી માળખું. ધારાસભ્યોને ઝાઝા હક નહીં. વિઠ્ઠલભાઈએ બ્રિટનની આમ સભાનો અભ્યાસ કર્યો. કામકાજની ઢબ સમજ્યા. સભ્યોના હકના જાણકાર થયા. વિઠ્ઠલભાઈએ રાત-દિવસ મહેનત કરી. પ્રજાના પ્રશ્નો સમજ્યા. સરકારી તંત્રની રીતરસમો જાણી. આવું બધું કર્યા પછી ધારાસભામાં પ્રશ્નો પૂછે. સરકાર મૂંઝાઈ જાય.

વિઠ્ઠલભાઈએ દેશની જુદીજુદી વડી અદાલતોના એકસરખા કેસના જુદાજુદા ચુકાદાઓનો અભ્યાસ કર્યો. આ પછી સરકારને પૂછે, કયા ચુકાદાને સાચો માનવો? સરકારને આથી કાયદાની ખામી દેખાય અને કાયદો સુધારી લે. સીધેસીધું બધું માની લે તો સરકાર શાની? સરકારે લોકો પર દમન માટે રોલેટ એક્ટ બનાવ્યો. ગાંધીજીએ આ કાયદાને કાળો કાયદો કહ્યો. તેની સામે અસહકારની લડત ઉપાડી. આ લડતના ટેકામાં વિઠ્ઠલભાઈએ ધારાસભા છોડી.

મુંબઈમાં બાંદ્રા વિભાગની સુધરાઈની બેઠક ખાલી પડી. સરકારે વિઠ્ઠલભાઈની સભ્ય તરીકે નિમણુક કરી. આ પછી સરકારે તેમને થાણા લોકલ બોર્ડમાં નીમ્યા. એમાં એ પ્રમુખ ચૂંટાયા. સ્થાનિક વહીવટનો એમને અનુભવ થયો. વિઠ્ઠલભાઈ મુંબઈમાં રહે. મુંબઈ નગર નિગમમાં ચૂંટાવાની ઈચ્છા થઈ પણ, એકલા ચૂંટાઈને શું કરે ? જૂથ હોય તો કામ કરી શકે તેમ માનીને પક્ષ રચ્યો. તેમનો આ પક્ષ એટલે સ્વરાજ પક્ષ. સ્વરાજ પક્ષ મુંબઈ નગર નિગમની ચૂંટણી લડ્યો. 37 બેઠકો પર જીત મેળવી. વિઠ્ઠલભાઈ શાળા સમિતિના પ્રમુખ ચૂંટાયા. તેમણે મુંબઈના શિક્ષણ ક્ષેત્રે નવો ચીલો પાડવી પહેલ કરી. શાળા સમિતિમાં માતૃભાષાની છૂટ આપી. ગુજરાતી, મરાઠી અને ઉર્દુને આવી ભાષા તરીકે સ્વીકારીને દેશી ભાષાઓની શાન વધારી. મુંબઈ નગરના એ મેયર થયા. અત્યાર સુધી મેયરની અલગ ઓફિસ જ નહોતી. તેમણે અલગ ઓફિસ કરી. રોજ ઓફિસમાં આવીને બેસે. પ્રજાના પ્રશ્નો સમજે અને ઉકેલવા મથે. આથી કમિશનરની ધાક ઘટી. કમિશનર મુંબઈના બેતાજ બાદશાહ તરીકે વર્તતા તે બંધ થઈ ગયા. અગાઉ. કોર્પોરેશન દર વર્ષે ગવર્નરને એકવાર આમંત્રણ આપીને ખાણીપીણીનો જલસો યોજતી. વિઠ્ઠલભાઈએ એ રિવાજ તોડીને પ્રજાના પૈસા બચાવ્યા અને ખોટી ખુશામતખોરી ટાળી.

ધારાસભાની ચૂંટણીઓમાં સ્વરાજ પક્ષે ઝંપલાવ્યું. ભારતની વડી ધારાસભાની ચૂંટણીઓમાં સ્વરાજ પક્ષને 44 બેઠકો મળી. અત્યાર સુધી સરકાર પ્રમુખ નીમતી તેને બદલે તેણે ચૂંટણીઓની પ્રથા દાખલ કરતાં વિઠ્ઠલભાઈ ભારતની વડી ધારાસભાના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા. ભારતની ધારાસભાના તેઓ સૌ પ્રથમ પ્રમુખ બન્યા. તેમણે પદનું ગૌરવ વધાર્યું. વિઠ્ઠલભાઈ નીડર અને કાયદાનું તેમને જ્ઞાન. તેને લીધે વાઈસરોય સાથે તેમને મૈત્રી થઈ. આ મૈત્રીને લીધે સરકારી તંત્ર તેમનાથી ડર્યા કરે. બારડોલી સત્યાગ્રહ અને દાંડીકૂચ વખતે તેમની પ્રતિભાને લીધે સરદાર અને ગાંધીજીને ભારે મદદ મળી. વિઠ્ઠલભાઈ રાત-દિવસ મહેનત કરતા. ખૂબ વાંચતા અને લાંબા પ્રવાસો કરતા. આ બધાથી તેમની તબિયત બગડી અને તેમને જિનેવામાં ઓપરેશન કરાવવું પડ્યું. સારું થતાં તેમણે ફરીથી કામ આરંભી દીધું. આ દોડધામમાં ફરીથી રોગે ઉથલો માર્યો. ફરીથી જિનેવા  સારવાર માટે ગયા પણ તે ન બચ્યા. 1933માં તેમનું અવસાન થયું. મુંબઈમાં વિઠ્ઠલભાઈની માઈલો લાંબી સ્મશાન યાત્રા નીકળી, લોકો રડ્યા. નિઃસંતાન વિઠ્ઠલભાઈએ કરેલું વસિયતનામું એમનો દેશપ્રેમ છતો કરે છે. સગાંસંબંધીને મિલકત આપવાને બદલે તેમણે બધી મિલકત દેશને ચરણે ધરી. વિઠ્ઠલભાઈ ભારતની સંસદીય લોકશાહીના લડવૈયા, ઘડવૈયા અને રખેવાળ હતા.

(ચરોતરના પ્રજાજીવન અને ઈતિહાસનાં અભ્યાસુ લેખક હાલ અમેરિકામાં વસે છે)

One thought on “બેરિસ્ટર વિઠ્ઠલભાઈની વકીલાત સામે હારી રહેલી અંગ્રેજ સરકારે જ્યારે કોર્ટ બોરસદથી આણંદ ખસેડી લીધી…

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!