બોરસદ ચર્ચની પરસાળ ઉપર બાંધવામાં આવેલો ઘંટ આયર્લેન્ડના ચર્ચની સન્ડે સ્કૂલનાં બાળકોએ 1877માં ભેટ મોકલાવ્યો હતો

બોરસદ ચર્ચની પરસાળ ઉપર બાંધવામાં આવેલો ઘંટ આયર્લેન્ડના ચર્ચની સન્ડે સ્કૂલનાં બાળકોએ 1877માં ભેટ મોકલાવ્યો હતો

બોરસદ, ખંભાત, આણંદ અને નડિયાદમાં મિશનરી સેવાકાર્યનો તે પછી પ્રારંભ થયો. આણંદ, બોરસદ, દાહોદ, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં મિશનરીઓએ સૌથી પહેલાં જનરલ હોસ્પિટલો બાંધી. શિક્ષણના ક્ષેત્રમાં હાઈસ્કૂલો, મહિલા ટ્રેનીંગ કોલેજ, 1થી 7 ધોરણની પ્રાથમિક શાળાઓ, વર્નાક્યુલર ઈઁગ્લીશ સ્કૂલો ખોલવામાં આવી

 

-ડો. સુરેન્દ્ર આસ્થાવાદી

 

ઈસવીસન 1815માં સૌથી પ્રથમ ગુજરાતમાં બહારના ખ્રિસ્તી મિશનરીઓનું આગમન થયું. એ વર્ષે સપ્ટેમ્બરની 16મી તારીખે બે મિશનરીઓ જેમ્સ સ્કીનર અને વિલ્યમ ફૈવીને લંડન મિશન દ્વારા ગુજરાતમાં મોકલવામાં આવ્યા હતા. જેમ્સનું મૃત્યુ થતાં લંડન સ્થિત મશને વિલ્યમના ભાઈ એલેકઝાન્ડરને મોકલ્યા. તેઓએ સર્વપ્રથમ પવિત્ર બાઈબલનો ગુજરાતી અનુવાદ ઈસવીસન 1823માં પ્રકાશિત કરીને પ્રસારિત કર્યો હતો. આગળ જતાં તેઓના અનુગામી મિશનરીઓએ સુરતથી વડોદરા ખાતે સ્થળાંતર કર્યું. આ મિશનરીઓમાં જે.વી.એસ. ટેલરનું નામ જાણીતું છે.

તેમની મિશનરી સેવાની કારકિર્દીમાં વડોદરાથી ચરોતરમાં ખ્રિસ્તી ધર્મના પ્રસાર અને પ્રચારની સેવાનો પ્રારંભ કરાયો હતો. ધર્મસેવા ઉપરાંત ગુજરાતના તત્કાલીન સાહિત્યમાં પણ તેમનું પ્રશંસનીય પ્રદાન હતું. તેઓ વર્નાક્યુલર સોસાયટીના આજીવન સભ્ય હતા. સમકાલીન કવિ દલપતરામ સાથે તેમની મૈત્રી હતી. તેઓ ‘ગુજરાતી ભાષાના વ્યાકરણના પિતા’ તરીકે જાણીતા છે. 1834માં લંડન મિશનરી સોસાયટીએ પોતાનું ગુજરાતમાંનું સેવાકાર્ય આટોપી લીધું અને તેનો હવાલો આઈરિશ પ્રેસ્બિટેરિયન મિશનને સોંપ્યો ત્યારે જે.વી.એસ. ટેલર IP Missionની ધર્મસેવામાં જોડાઈ ગયા.બોરસદ મિશન સેવાક્ષેત્રનો પ્રાદુર્ભાવ ઈસવીસન 1847ના અરસામાં થયો હતો. તે અરસામાં રેવરન્ડ ક્લાર્કસન તેના વડા ધર્મગુરુ હતા. તેમના પછી 1860થી આ હવાલો રેવરન્ડ ટેલરે સંભાળ્યો હતો. તેઓ ધર્મસેવા ઉપરાંત સાહિત્ય અને શિક્ષણમાં પણ રસ ધરાવતા હતા. ચરોતરમાં સ્કૂલોની શરૂઆત કરવામાં તેઓ અગ્રગણ્ય હતા.

બોરસદ, ખંભાત, આણંદ અને નડિયાદમાં મિશનરી સેવાકાર્યનો તે પછી પ્રારંભ થયો. આણંદ, બોરસદ, દાહોદ, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં મિશનરીઓએ સૌથી પહેલાં જનરલ હોસ્પિટલો બાંધી. શિક્ષણના ક્ષેત્રમાં હાઈસ્કૂલો, મહિલા ટ્રેનીંગ કોલેજ, 1થી 7 ધોરણની પ્રાથમિક શાળાઓ, વર્નાક્યુલર ઈઁગ્લીશ સ્કૂલો ખોલવામાં આવી. અનાથાલયો, વિધવા ગૃહો, છાત્રાલયો બાંધવામાં આવ્યાં. વંચિત બાળકો માટે સ્કોલરશીપ અને એજ્યુકેશન લોનની વ્યવસ્થા માટે સહકારી બેન્કોનો પ્રારંભ પણ આ વિદેશી મિશનરીઓએ કર્યો હતો. બોરસદમાં ચર્ચ બને તે માટે રેવરન્ડ ટેલર ખૂબ ઉત્સુક હતા. એ સંજોગોમાં વડોદરા કેમ્પમાં મેજર વાલેસ બ્રિટિશ રેસિડન્ટ હતા. તેમણે ટેલરના અનુરોધ અને અપીલથી બોરસદમાં ચર્ચ બાંધવા માટે નાણાં એકત્ર કરવામાં ખાસ રસ દર્શાવ્યો હતો. ઈસવીસન 1860 દરમિયાન આ નાણાં એકત્ર કરવાનું અને બોરસદના ચર્ચના બાંધકામનું કામ એકસાથે ચાલતું હતું. રેવરન્ડ ટેલરે અહીં ખાસીવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં તેની પૂર્વ દિશાએ એક ખેતર ખરીદ્યું. આજે લાલ રંગનું ચર્ચ ચરોતરમાં ખ્રિસ્તી ધર્મના ઐતિહાસિક વારસાને સાચવતું ઊભું છે.

ચરોતરમાં ખ્રિસ્તી ધર્મના ઈતિહાસ પ્રમાણે આઈપી મિશનના પાદરી રેવરન્ડ ક્લાર્કસન એક વખતે ખંભાત હવાફેર માટે ગયા હતા. ખંભાતમાં દરિયાકાંઠે આરોગ્યપ્રદ હવા માટે ગયેલા ક્લાર્કસનને જોકે આ સ્થળ સહેજપણ માફક ન આવ્યું કેમકે, અહીં મિશનરી કામ કરવું કપરું હતું અને છૂટાછવાયા વસતા ખ્રિસ્તીઓને ભેગા કરવા અઘરું હતું. ક્લાર્કસન તે પછી બોરસદ આવ્યા હતા અને તેમને બોરસદ ગમી ગયું હતું. દસ્તાવેજો પ્રમાણે ક્લાર્કસને 1845માં મે મહિનામાં અહીં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર શરૂ કર્યો હતો. આજે જે વિસ્તારને ખાસીવાડી તરીકે ઓળખાવાય છે તે ક્લાર્કસને વસાવેલું ટાઉન છે. પાછળથી અહીં જ ચરોતરનું સૌથી જૂનું અને અત્યારે હયાત એવું ચર્ચ બાંધવામાં આવ્યું હતું. બોરસદમાં એક સમયે જેને “વડોદરિયો દરવાજો” તરીકે ઓળખાવાતો હતો ત્યાં એક વાવ હતી. વાવની જગ્યા અત્યારે ખંડિયેર બની ગઈ છે. આ જગ્યાએ સૌથી પહેલાં મિશનરી સેવાકાર્ય શરૂ થયું હતું. 1847માં ક્લાર્કસને છ જેટલાં નિયો ક્રિશ્ચિયન ફેમિલીને અહીં વસાવ્યાં હતાં. હકીકતમાં, આ ફેમિલીએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હોવાથી તેમને સામાજિક વિષમતાનો સામનો કરવો પડી રહ્યો હતો એટલે અલગ રહેવું અનિવાર્ય બની ગયું હતું. આ 6 ફેમિલી જ્યાં રહ્યાં તે વિસ્તાર ‘ખાસીવાડી’ તરીકે ઓળખાવા લાગ્યો હતો.

એક અન્ય ઉલલેખ પ્રમાણે ખાસીવાડી હકીકતમાં તો ‘ખાસવાડી’તરીકે ઓળખાતો વિસ્તાર હતો. પેશ્વાઈ અને ગાયકવાડી અમલદારોના મોજશોખ માટે આ ‘ખાસવાડી’ બનાવવામાં આવી હતી. ખેડા જિલ્લાના કલેક્ટરને કરાયેલી વિનંતી પછી આ જમીન ખ્રિસ્તી મિશનરીઓને આપી દેવામાં આવી હતી. ખાસીવાડી વિસ્તારમાં બનેલા બોરસદના ચર્ચને ચરોતરના સૌથી પ્રથમ ચર્ચનું ગૌરવ પ્રાપ્ત થયેલું છે. જ્યારે બન્યું ત્યારે તેને લોકો ‘પ્રાર્થનાનું ઘર’ તરીકે ઓળખતા હતા. આ ચર્ચની લંબાઈની દિશા પૂર્વ-પશ્ચિમ હતી. અને ઘંટની દેવડી તથા ચર્ચનો દરવાજો પૂર્વ તરફ હતો. તેનું બોધાસન(Pulpit) પશ્ચિમ તરફ હતું. જેમજેમ ખ્રિસ્તી ધર્મમાં લોકોની આસ્થા વધવા લાગી તેમતેમ આ ચર્ચ સાંકડું પડવા માંડ્યું એટલે મિશનરી રોબર્ટ હેન્ડરસને તેનો વિસ્તાર વધાર્યો અને તેને ઉત્તર-દક્ષિણ દિશામાં વધારીને મોટું, સુંદર અને વિશાળ બનાવ્યું. હકીકતમાં, આ ચર્ચના મુખ્ય પાયાની આધારશિલા તો રેલરન્ડ ટેલર સાહેબના હસ્તે મુકાઈ હતી અને એ વર્ષ 1860નું હતું.

ઈસવીસન 1877માં આ ચર્ચની પરસાળ ઉપર ઘંટવાળો ઘુંમટ બાંધવામાં આવ્યો. આ ઘંટ આયર્લેન્ડના ચર્ચની સન્ડે સ્કૂલનાં બાળકોએ બોરસદ ચર્ચને ભેટ તરીકે મોકલાવ્યો હતો. 1895માં આ ચર્ચનું નવું સિલિંગ તૈયાર કરાયું હતું. આઈપી મિશને ગુજરાતમાં નાનાં-મોટાં કુલ 40 જેટલાં પાકાં ચર્ચા બનાવ્યાં હતાં. એ પૈકીનાં ત્રણેક ચર્ચ આજે હયાત નથી. ગુજરાતમાં 1900ની સાલમાં મણસ માણસને ભરખી જાય તેવો દુકાળ પડ્યો હતો. તે વખતે બોરસદમાં મિશનરીઓએ અભૂતપૂર્વ સેવાકાર્ય કર્યું હતું. આખા ગુજરાતમાંથી બોરસદમાં મિશનરીઓને ત્યાં 30,000 ભૂખ્યાં-તરસ્યાં લોકો એકઠાં થયેલાં. પડતા પર પાટુ પડે તેવી પરિસ્થિતિમાં કોલેરાનો રોગચાળો પણ ફાટી નીકળ્યો હતો. મિશનરીઓએ એ વખતે મરતા લોકોને બચાવી લેવા માટે લોહી-પસીનો એક કરી દીધાં હતાં. આજે બોરસદનું ચર્ચ મિશનરીઓના આ સેવાકાર્ય થકી ઝગારા મારી રહ્યું છે. 1993માં તેનો વિકાસ અને જિર્ણોદ્ધાર કરાયો હતો અને તેની પાછળ 11 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. હાલમાં આ ચર્ચા તેના સૌંદર્ય, ગંભીર ભક્તિસભા અને કળાત્મકતા માટે તથા તેની પ્રાચીનતા માટે ખાસ ગૌરવ અનુભવે છે.

ખાસ નોંધઃ અહીં આ સાથે એક ખાસ નોંધ લેવી ઘટે તેમ છે. હકીકતમાં, તો ચરોતરનું પ્રથમ ચર્ચ ખેડામાં બન્યું હતું. આ ચર્ચ જોકે, આર્મીના અધિકારીઓ અને અંગ્રેજ સરકારના કર્મચારીઓ માટે બનાવાયું હતું. કંપની સરકારે ખેડા કેમ્પના પોતાના અંગ્રેજ અધિકારીઓ અને કર્મચારીઓ માટે રવિવારની સર્વિસ માટે આ ચર્ચ બનાવ્યું હતું. ઈસવીસન 1825ના અરસામાં બિશપ રેજિનાલ્ડ હિબરે તેની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. તેનું નામ સેન્ટ પોલ ચર્ચ, ખેડા હતું. તે એંગ્લિકન ચર્ચના BDTA ટ્રસ્ટની માલિકીનું હતું. હાલમાં, તે તદ્દન જીર્ણશીર્ણ અવસ્થામાં છે. તેની કશી વહીવટી વ્યવસ્થા કે સાચવણી કરવામાં આવતી નથી. તેમાં કોઈ રાચરચીલું કે સાધનસામગ્રી નથી.

(ડો. સુરેન્દ્ર આસ્થાવાદી નિવૃત્ત એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર, ખ્રિસ્તી ધર્મ-સાહિત્યના સ્કોલર છે)

One thought on “બોરસદ ચર્ચની પરસાળ ઉપર બાંધવામાં આવેલો ઘંટ આયર્લેન્ડના ચર્ચની સન્ડે સ્કૂલનાં બાળકોએ 1877માં ભેટ મોકલાવ્યો હતો

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!