પોસ્ટ સ્ટડી વર્ક સ્ટ્રીમ અંતર્ગત ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા ઓસ્ટ્રેલિયન શિક્ષણ સંસ્થાનમાંથી ડિગ્રી મેળવનારા આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સને આપવામાં આવે છે. જેથી તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઓસ્ટ્રેલિયામાં રહીને કામનો અનુભવ મેળવી શકે
મેલબોર્ન
ભારતમાંથી ઓસ્ટ્રેલિયા ભણવા માટે જતા વિદ્યાર્થીઓ માટે એક ખુશખબર છે. ઓસ્ટ્રેલિયાના રિજનલ વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે રિજનલ ઓસ્ટ્રેલિયામાંથી બેચલર કે માસ્ટર ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને ચાર વર્ષ સુધીના વિઝા આપવાનો નિર્ણય લીધો છે.
અગાઉ આ ગોઠવણ હેઠળ, અરજી કરનાર ઓસ્ટ્રેલિયામાં અભ્યાસના આધારે માત્ર એક વખત જ 485 વિઝા મેળવી શકતા હતા પરંતુ ફેરફાર બાદ રિજનલ વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ થશે.
ટેમ્પરરી ગ્રેજ્યુએટ 485 વિઝા રિજનલ ઓસ્ટ્રેલિયામાં 4 વર્ષ સુધી રહેવાની તક આપે છે. ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પણ વર્ક એક્સપિરિયન્સ મેળવી ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસિડન્સી માટે અરજી કરવા માટે લાયક બની શકે છે.
પોસ્ટ સ્ટડી વર્ક સ્ટ્રીમ અંતર્ગત ટેમ્પરરી ગ્રેજ્યુએટ (સબક્લાસ 485) વિઝા ઓસ્ટ્રેલિયન શિક્ષણ સંસ્થાનમાંથી ડિગ્રી મેળવનારા આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સને આપવામાં આવે છે. જેથી કરીને તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઓસ્ટ્રેલિયામાં રહીને કામનો અનુભવ મેળવી શકે.
રિજનલ સેન્ટર કે રિજનલ વિસ્તારમાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ બીજી વખત 485 વિઝા માટે અરજી કરી શકે છે. રિજનલ ઓસ્ટ્રેલિયામાં સિડની, મેલબોર્ન અને બ્રિસ્બેન સિવાયના સમગ્ર ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરી 2020થી ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ઓસ્ટ્રેલિયા બહાર રહીને પણ તેમના પોસ્ટ સ્ટડી વર્ક વિઝા માટે અરજી કરી શકે છે.
ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કે જેમણે ઓસ્ટ્રેલિયાની શિક્ષણ સંસ્થામાંથી બેચલર, માસ્ટર કે ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે તેઓ 485 વિઝા માટે અરજી કરી શકે છે. તેમણે અભ્યાસ પૂર્ણ કર્યાના 6 મહિનાની અંદર આ વિઝા માટે અરજી કરવાની હોય છે. જે સ્ટુડન્ટ્સે બેચલર કે માસ્ટર ડિગ્રી મેળવી છે તેમને વધુ 2 વર્ષ માટેના વિઝા આપવામાં આવે છે. તેમના કોર્સને ધ્યાનમાં રાખીને વધુ લાંબા સમયના વિઝા મળી શકે છે.
જો તેમણે માસ્ટર ડીગ્રી બાય રિસર્ચનો અભ્યાસ કર્યો હોય તો તેમને ત્રણ વર્ષ સુધીના 485 વિઝા મળી શકે છે. જો સ્ટુડન્ટ્સે ઓસ્ટ્રેલિયામાં પીએચડીની ડીગ્રી મેળવી હશે તો તેને શરૂઆતમાં વધુ ચાર વર્ષ માટે 485 વિઝા મળી શકે છે.
જાન્યુઆરી 2021થી 485 વિઝા કેટેગરી અંતર્ગત વધુ બે વર્ષના વિઝાનો નિયમ અમલમાં આવ્યો છે. 485 વિઝા માટે રિજનલ ઓસ્ટ્રેલિયાને રિજનલ સેન્ટર્સ તથા અન્ય રિજનલ વિસ્તાર એમ મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. જે લોકો એડિલેડ, પર્થ, કેનબેરા જેવા સેન્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને વધુ એક વર્ષ મળશે જ્યારે અન્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને બીજા 485 વિસા અંતર્ગત વધુ 2 વર્ષના વિઝા મળશે.
સિટી ઓફ પર્થ, સિટી ઓફ એડિલેડ રિજનલ સેન્ટર તરીકે ગણાશે. જ્યારે વોલોંગોન્ગ, ન્યૂકેસલ, જીલોંગ, હોબાર્ટ, કેનબેરા પણ તે યાદીમાં સમાવાશે. અગાઉ 485 વિઝા માટે ઓસ્ટ્રેલિયામાં રહીને જ અરજી કરી શકાતી હતી. જેને કારણે કોરોના સંકટમાં ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા હજારો વિદ્યાર્થીઓ આ વિઝા માટે અરજી કરી શકે તેમ નહોતા. જોકે, હવે નવી ગોઠવણ અંતર્ગત, ઓસ્ટ્રેલિયા બહાર વિદેશમાં ફસાઇ ગયેલા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પણ આ વિઝા માટે અરજી કરી શકે છે. 485 વિઝાનો અન્ય પ્રકાર ગ્રેજ્યુએટ વર્ક સ્ટ્રીમ વિઝા છે જે 18 મહિના માટે માન્ય રહે છે.
આ કેટેગરીના વિઝા હેઠળ, અરજીકર્તાએ સ્કીલ ઓક્યુપેશન લિસ્ટમાંથી વ્યવસાય નક્કી કરવાનો હોય છે અને તેમનું સ્કીલ એસેસમેન્ટ સકારાત્મક હોય તો આ વિઝા મેળવી શકે છે. રિજનલ ઓસ્ટ્રેલિયામાં વિવિધ પ્રકારના ઉદ્યોગો કાર્યરત છે, જે કર્મચારીને નોકરી માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી, આકર્ષક પગાર અને સમુદાયમાં ભળી જવાની તક આપે છે.
સબક્લાસ 491 અને 494 અંતર્ગત સ્થાયી થઈ શકાય
*ઈન્ટરનેશનલ સ્કીલ્ડ વર્કર્સ વિઝા સબક્લાસ 491 અને 494 અંતર્ગત રિજનલ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઇ શકાય છે.
*વિઝા મેળવનાર તેના પરિવારજનો સાથે ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર કરી શકે છે.
*લાયકાત ધરાવતા કર્મચારીઓ ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસિડેન્સી માટે અરજી કરી શકે છે.
*સ્કીલ્ડ વર્ક રિજનલ(પ્રોવિઝનલ) વિઝા સબક્લાસ 491 અને સ્કીલ્ડ એમ્પલોયર સ્પોન્સર્ડ રિજનલ(પ્રોવિઝનલ) વિસા સબક્લાસ 494 આંતરરાષ્ટ્રીય સ્કીલ્ડ વર્કર્સને ઓસ્ટ્રેલિયાના રિજનલ વિસ્તારોમાં સ્થાયી થવાની તક પૂરી પાડે છે.
*આ વિસા 45 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા સફળ ઉમેદવારને ઓસ્ટ્રેલિયામાં પાંચ વર્ષ સુધી રહેવાની છૂટ આપે છે. જો તેઓ લાયક બને તો પર્મેનન્ટ રેસિડેન્સીની તક પણ પૂરી પાડે છે.
સ્કીલ્ડ વર્ક રિજનલ (પ્રોવિઝનલ) વિઝા સબક્લાસ 491
*આ વિઝા માટે અરજી કર્યા અગાઉ તમારી પાસે ઓસ્ટ્રેલિયાના રાજ્ય કે ટેરીટરીની સંસ્થા-કંપનીનું આમંત્રણ હોવું જરૂરી છે. પ્રથમ, તમારો વ્યવસાય ઓસ્ટ્રેલિયન સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં સમાવિષ્ટ હોવો જોઇએ. આ લિસ્ટ રાજ્યો અને ટેરિટરી પ્રમાણે તથા ઓસ્ટ્રેલિયન લેબર માર્કેટના સર્વે પ્રમાણે બદલાતું રહે છે.
સ્કીલ્ડ એમ્પલોયર સ્પોન્સર્ડ રીજનલ (પ્રોવિઝનલ) વિસા સબક્લાસ 494
*આ વિઝા રિજનલ ઓસ્ટ્રેલિયામાં કાર્યરત વ્યવસાય માટે છે. જો તેઓ ઓસ્ટ્રેલિયામાંથી જ કર્મચારી ન શોધી શકે તો તેઓ વિદેશથી કર્મચારીને સ્પોન્સર કરી શકે છે. આ અંતર્ગત બે વિઝા મુખ્ય છે– એમ્પલોયર સ્પોન્સર્ડ સ્ટ્રીમ અને લેબર એગ્રીમેન્ટ સ્ટ્રીમ.
*એમ્પલોયર સ્પોન્સર્ડ સ્ટ્રીમ અંતર્ગત, તમારા નોકરીદાતાએ તેમનો રિજનલ વિસ્તારમાં સ્થાયી વેપાર– ઉદ્યોગ સ્પોન્સરશીપ માટે મંજૂર થઇ જાય તો તેઓ અરજી કરી શકે છે.
(Disclaimer: ‘ઈમીગ્રેશન’ અંતર્ગત અપાતી થતી કોઈપણ માહિતી કે સૂચન સંપૂર્ણ સત્યતા ચકાસીને જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આમ છતાં, જ્યારે પણ કોઈને નોકરી, જોબ કે વિદેશ જવાની ઈચ્છા થાય ત્યારે તેમણે સૌથી પહેલાં આ બાબતની ખરાનકરી પોતાની જાતે કરી લેવી. યાયાવર ચરોતર એ માટે જવાબદાર રહેશે નહીં.)