પંજાબના સમધરભાઈ પટેલે 12મી સદીમાં વસાવેલું ‘મોટા અડધ’ ચરોતરમાં પાટીદારોનું પહેલું થાણું હતું

પંજાબના સમધરભાઈ પટેલે 12મી સદીમાં વસાવેલું ‘મોટા અડધ’ ચરોતરમાં પાટીદારોનું પહેલું થાણું હતું

આઝાદી પહેલાં મોટા અડધ પાટીદાર પરિવારોથી ઉભરાતું. અહીં 450થી 500 પાટીદાર પરિવારો વસતા.આજે માંડ 50 જેટલાં પાટીદાર ફેમિલી રહી ગયાં છે. મોટાભાગનાં પરિવારો USA, UK, કેન્યા, ઓસ્ટ્રેલિયા કે કેનેડા વસવાટ કરવા માટે ચાલ્યાં ગયાં છે

 

અશોક પરમાર

 

આણંદની સ્થાપના આણંદગીરી નામના એક ગોસાઈએ 9મા સૈકામાં કરી હોવાનું કહેવાય છે. આજે મિલ્ક સિટી તરીકે ઓળખાતા આણંદમાં પહેલાં ગોસાઈઓનું વર્ચસ્વ હતું. ગોસાઈઓના પતન સાથે પાટીદારોનો ઉદય થયો અને તેમનું વર્ચસ્વ સ્થપાવા માંડ્યું. આણંદના નાના અડધમાં ગોસાઈવાળું ફળિયું હજુય છે. પ્રથમ ત્યાં ગોસાઈગીરી રહેતા હતા. આણંદ નગરપાલિકાના પૂર્વ સભ્ય સ્વર્ગસ્થ ઘનશ્યાનભાઈ રાવજીભાઈ પટેલનું આજે જ્યાં મકાન છે તે તેમના વડવાઓએ ગોસાઈઓ પાસેથી મેળવ્યું હતું. અત્યારે અહીં આ શેરીમાં નારાયણ મહાદેવને ટેકરો ચઢતાં સામે આવેલું ઘર બાવાનો મઢ કહેવાય છે. ત્યાં માધવગીરી ખુશાલગીરી સહિતના ગોસાઈઓ રહેતા હતા. લોટિયા ભાગોળમાં આવેલો જોગીવાડો, મઠિયાચોરો અને તેની નજીકનું 64 જોગણીઓનું મંદિર પુરાણા આણંદમાં ગોસાઈઓની વસતી હશે તે માન્યતાને બળ આપે છે. ગોસાઈઓની પડતીની સાથે પાટીદારોનો પ્રવેશ થયો અને તેમણે ધીમેધીમે જમીનો ખરીદવા માંડી. આજે આણંદમાં આર્થિક, સામાજિક અને રાજકીય રીતે પાટીદારોનો પ્રભાવ અને અસર છે. પાટીદારો મૂળ પંજાબના વતની હતા અને સંવત 1200માં પંજાબ છોડીને અડાલજ અને ત્યાંથી ચરોતરમાં રહેવા આવ્યા હતા. અન્ય વિસ્તારોની જેમ આણંદમાં પણ બે પાટીદાર ભાઈઓ આવીને વસ્યા હતા.

આ બન્ને ભાઈઓએ જે વસાવ્યું તે નાના અડધ અને મોટા અડધ. ઈસવીસન 1168માં પંજાબના પાંડવણ ગામના શામળદાસના ત્રણ પુત્રો- સમધરભાઈ, રામભાઈ અને સવાજીભાઈ આણંદ આવ્યા હતા. તેમાંથી વચેટ સવાજીભાઈ વડોદરા જિલ્લાના શિનોર ગામ જઈને વસ્યા હતા. મોટા સમધરભાઈ અને નાના રામભાઈ આણંદમાં જ સ્થાયી થયા હતા. સમધરભાઈએ વસાવ્યું તે મોટા અડધ કહેવાયું. મોટા અડધમાં પાંચ ખડકી છે. મોટાભાઈની ખડકી, હરીદાસની ખડકી, નાગજીભાઈની ખડકી(બહારની ખડકી), માધાભાઈની ખડકી અને ચોપાટો સમાવિષ્ટ છે. ટાવર બજાર, મઠીયા ચોરો, કોટવાળા દરવાજા સામેની મસ્જિદ, આઝાદ મેદાન, બહારની ખડકી, ચોપાટો થઈને વહેરાઈ માતા અને ત્યાંથી ટાવર તરફનું ગોળ ચક્કર મોટા અડધ કહેવાય છે.

નાના અડધમાં જોગીદાસની ખડકી, ગંગાદાસની ખડકી, રેવનદાસની ખડકી, કોટવાળો દરવાજો, ગોસાઈ ફળિયું, કોટેશ્વર મહાદેવ, અંબે માતાનું મંદિર થઈ આઝાદ મેદાન સુધીનો વિસ્તાર આવી જાય છે. પાટીદારો આણંદમાં વસવાટ કરવા આવ્યા તે વાતને આજે 1900 જેટલાં વર્ષ થશે. મોટા અડધ વસાવનાર સમધરભાઈને પાંચ પુત્રો વીસલજી, ગાંગજી, શીલીંગ અને સંતોકીદાસ હતા. સમધરભાઈના સૌથી નાનાપુત્ર સંતોકીદાસને પણ પાંચ પુત્ર ભયજીભાઈ, ખોખાજીભાઈ (ચોપાટાનો બીજો ભાગ વસાવનાર), રડાજીભાઈ(ચોપાટાનો પ્રથમ ભાગ વસાવનાર), વાઘજીભાઈ(માધાભાઈની ખડકી વસાવનાર) અને હરજીભાઈ હતા. આ પાંચેય સંતાનોએ મોટા અડધની વિવિધ ખડકીઓ ઉભી કરી હતી. મોટા અડધના પાટીદાર રણછોડભાઈ નાથાભાઈ પટેલે મોટા અડધની ધર્મશાળા બાબતે જરૂર પડતાં તાત્કાલિક વહીવંચો રાખનારને બોલાવ્યો હતો અને તેમની પાસે મોટા અડધના પાટીદારોની વંશાવળીનું કોષ્ટક વૃક્ષરૂપે બનાવડાવ્યું હતું.

મોટા અડધમાં પાંચ મોટી ખડકીઓ છે. હરીદાસની ખડકી, મોટાભાઈની ખડકી, માધાભાઈની ખડકી, ચોપાટો અને નાગજીભાઈની ખડકી(બહારની ખડકી),જેમાં અન્ય વિસ્તારો જેવાં કે કહાનદાસનો ટેકરો, પટેલ ટેકરો, બદવાળું ફળિયું, સરકાર વાડો, પીપળાવાળી ખડકી, વાડાવાળો ભાગ, નવાં ઘરો, જોષી ફળિયું, ધોબી ટેકરો, વહેરાઈ માતા સમાવિષ્ટ છે. આ ખડકીઓના અંદરના રસ્તા એકસાથે બે માણસો માંડ જઈ શકે તેટલા સાંકડા છે. મોટા અડધમાં આવેલું ટાવર બજાર એક વખત આણંદની મેઈન માર્કેટ હતી. લોકો ગામેગામથી અહીં ખરીદી કરવા માટે આવતા હતા. હવે જોકે, માર્કેટ અહીં ભરાતી નથી. રેલવે સ્ટેશનની સામે આખેઆખું બજાર આવી ગયું છે. એક સમય આખા આણંદને જેના ડંકા સંભળાતા તે ક્લોક ટાવર બંધાયો નહોતો તે પહેલાં અહીં એક નાનકડી પરબડી હતી. પરબડીની આસપાસ ધુળિયો ગોળાકાર હતો અને બાળકો અહીં રમતાં હતાં. અશોક સ્તંભ છે ત્યાં એક લીમડો હતો. જેની નીચે પાણીની પરબ હતી. તેની સામે મોટા અડધની ધર્મશાળા હતી. ધર્મશાળા એક માળની હતી અને તેની છત લોખંડના પતરાંની બનેલી હતી.

1937માં મોટા અડધના લોકોએ પોતાના ખર્ચે આ ટાવર બનાવવાનું નક્કી કર્યું ત્યારે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો. બાંધકામ પર સ્ટે લાવવાની વાતો ચાલી રહી તે જ વખતે રાતોરાત ટાવરનું બાંધકામ શરૂ કરી દેવાયું હતું. સ્ટે ઓર્ડર આવી જવાના ભયે ટાવરનો પહેલો માળ ઝડપથી પૂરો કરાયો હતો. ત્યારબાદ ધીમેધીમે કામ ચાલ્યું હતું. ટાવર પર ઈઁગ્લેન્ડની વેસ્ટર્ન વોચ કંપનીનું ઘડિયાળ મુકાયું હતું. ઘડિયાળનો ઓર્ડર મુંબઈની કંપનીને આપવામાં આવ્યો હતો. ટાવર ઊભો થયો એટલે પહેલાં લીમડા ચોક તરીકે ઓળખાતો આ વિસ્તાર ટાવર ચોક બની ગયો. છેક 80-90ના દાયકા સુધી આ ટાવર જોવા માટે આસપાસનાં ગામડામાંથી લોકો આવતા અને નીચે ઊભા રહીને તેના ડંકા સાંભળવાનો આહલાદક અનુભવ લેતા, તેમ અહીંના સ્થાનિક લોકો કહે છે.

ટાવરથી લઈ વડા તળાવ અને અંબાજી માતાના મંદિરથી લઈ અશોક સ્થંભ સુધીનો વિસ્તાર નાના અડધ અને મોટા અડધ કહેવાય છે. અંગ્રેજોના રાજ વખતે મોટા અને નાના અડધની ખડકીઓ અને ફળિયાં વચ્ચે નાકા બારીઓ રખાતી હતી. એકમાંથી બીજા ફળિયામાં જવું હોય તો બહાર નીકળીને ન જવું પડે તે માટે ફળિયાંના મકાનની પાછળ એક બારી રખાતી જે બીજા ફળિયામાં પડતી. એમ તમામ ફળિયામાં એક મકાનની પાછળ બારી રહેતી જેને નાકાબારી કહેવાતી હતી. અંગ્રેજ સરકારનો મહેસૂલદાર ટેક્સ ઉઘરાવવા આવે ત્યારે મહેસુલ ન આપવું હોય તો ઘરનો માલિક આ નાકાબારીએથી છૂમંતર થઈ જતો અને ગામ બહાર નીકળીને છેક ખેતરે પહોંચી જતો. વડા તળાવ તરફ વહેરાઈ માતાના મંદિરની સામે ચોપાટાનો દરવાજો હતો અને તેની સામે તળાવમાં ઉતરવાનો ઓવારો હતો. ચોપાટાના દરવાજાની અંદર એક સમયે પેશ્વાઈ રાજની ઘોડેસ્વાર પોલીસ આવતી ત્યારે તેમના ઘોડાઓ અહીં બાંધી રખાતા હતા.

મોટા અડધ એક સમયે જાહોજલાલીથી ભરેલું હતું અને શહેરનો આ વિસ્તાર અત્યંત પોશ ગણાતો હતો. હજુ ય જોકે, તેની શાખ છે પણ આણંદ શહેરના વિકાસની સાથે અન્ય વિસ્તારોની સરખામણીમાં આ વિસ્તારનું તેજ ઘટતું ગયું છે. આઝાદી પહેલાં મોટા અડધ પાટીદાર પરિવારોથી ઉભરાતું હતું. અહીં 450થી 500 પાટીદાર પરિવારો વસતા હતા. આજે માંડ 50 જેટલાં પાટીદાર ફેમિલી રહી ગયાં છે. મોટાભાગનાં પરિવારો USA, UK, કેન્યા, ઓસ્ટ્રેલિયા કે કેનેડા વસવાટ કરવા માટે ચાલ્યાં ગયાં છે. કેટલાંક પરિવારો વિદ્યાનગર અને આણંદની હાઈફાઈ સોસાયટીઓમાં રહેવા જતાં રહ્યાં છે.

મોટા અડધ પહેલેથી સમૃદ્ધ હતું. પરદેશથી રેમિટન્સ આવતાં તેની સમૃદ્ધિ ઓર વધી હતી. ખેતીની જમીનના વેચાવાની સાથે અને બીજા વ્યવસાય તરફ પાટીદારોની ગતિની સાથે આણંદ NRI સિટી બનવા માંડ્યું હતું અને તેની જાહોજલાલી છલકાઈ હતી. પૈસા આવવાની સાથે મોટા અડધના પાટીદારોએ આણંદની પહેલી કહેવાય તેવી સોસાયટી ‘કૃષ્ણ હાઉસિંગ સોસાયટી’ બનાવી હતી. કૃષ્ણ હાઉસિંગ બન્યા પછી શહેરની સૌથી મોટી 122 પ્લોટોવાળી સ્વામિનારાયણ સોસાયટી પણ મોટા અડધના પટેલોએ બાંધી હતી. આ સોસાયટી સરદાર ગંજ નજીક આવેલી છે. 1946માં અમૂલ ડેરી અને ત્યારબાદ ગુજરાત કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે આ બંને સંસ્થાઓ માટે મોટા અડધના પાટીદારોએ તેમની જમીન આપી હતી. આણંદમાં અમૂલ ડેરીની સ્થાપનાની સાથે સહકારી પ્રવૃત્તિઓમાં ઉછાળ આવવા લાગ્યો હતો અને એકાએક પૂરા ભારતમાં આણંદ સહકારી પ્રવૃત્તિઓનું પરણું બની ગયું હતું. સહકારી ધોરણની તરાહ પર તે પછી અપના બજાર, તાલુકા ખરીદ વેચાણ સંઘ,તાલુકા વિકાસ મંડળ એમ ઘણી સહકારી પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી.

9 thoughts on “પંજાબના સમધરભાઈ પટેલે 12મી સદીમાં વસાવેલું ‘મોટા અડધ’ ચરોતરમાં પાટીદારોનું પહેલું થાણું હતું

 1. ખૂબજ સરસ માહિતી. ઝીણવટ ભર્યું અવલોકન અને સરસ રજૂઆત

 2. Very nice information about charotar patidar. All vansh are going down after years and years. Mota adadh dharm shala is memory of lot of marriages. etc…

 3. Very beautiful information and great memories for our new generation. ? Thank you so much.
  ROHIT. U. PATEL ( ANAND) ILFORD. U.K ?

 4. Thanks to Ashokbhai Parmar for the detailed information of Mota Adadh & Nana Adadh of Anand. We are shortly publishing a book on Charotar na Leuva Patidar. I had all the information of Anand but this article is filled with all minute details. The future generation will not be knowing all this history but they will get the information from this article.
  Salute to Ashokbhai for this information.
  Keep it up… You will be followed by many Charotar Patel families in different parts of India and abroad too.
  Regards
  Kiran Indulal Patel.
  Haridas ni Khadki, Vaherai Mata,
  Mota Adadh, Anand 388001

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!