બુલેટ નજીક આવતાં જ રતિયાએ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું, ગોળી વાગતાં જ ઈમુદાદાએ સાવધ બની બુલેટને ટર્ન મારવાની કોશિષ કરી પણ ત્યાં જ હત્યારા ફરસી, ધારિયા અને હોકી લઈ તેના પર તૂટી પડ્યા

બુલેટ નજીક આવતાં જ રતિયાએ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું, ગોળી વાગતાં જ ઈમુદાદાએ સાવધ બની બુલેટને ટર્ન મારવાની કોશિષ કરી પણ ત્યાં જ હત્યારા ફરસી, ધારિયા અને હોકી લઈ તેના પર તૂટી પડ્યા

ઈમુ પર હુમલો કરાયો તેના એક હુમલાખોર સત્તાર ઈબ્રાહીમને હાથે ધારિયાનો ઝાટકો વાગી ગયો હતો. તેને પુષ્કળ લોહી નીકળ્યું હતું. દવાખાને લઈ જઈ શકાય તેમ નહોતું. ઘા તેને ભયંકર પીડા આપી રહ્યો હતો. નાછૂટકે તા. 21.10.1982ના રોજ તે જાતે જ પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો

 

અશોક પરમાર

 

પતિ માવસિંગની લાશને સ્થળ પર રહેવા દઈને શાંતા ઘરમાં ગઈ. બધું વ્યવસ્થિત કર્યું અને શાંતિથી સૂઈ ગઈ. બીજા દિવસે વહેલી સવારે જાણે કાંઈજ બન્યું ન હોય તેમ તે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવીને પોતાના તમામ સંપર્કોને તેણે સાવચેત કરી દીધા. પૂરી ટાઢકથી તેણે એક વિશ્વાસુ વેપારી મિત્રને જણાવ્યું પણ ખરું કે પેલાને આજે પાડી દીધો. આમ કહી તે ત્યાંથી નીકળી ગઈ અને સીધી પોલીસ સ્ટેશને પહોંચી અને ગુનો નોંધાવ્યો.

ત્યાં સુધીમાં સમગ્ર પરીખ ભુવન, ગામડી અને આણંદ શહેરમાં માવસિંગના મર્ડરની ખબર ફેલાઈ ચુકી હતી. માવસિંગનું નામ ત્યારે જાણીતું હતું એટલે શહેરમાં અફવાઓ અને ચર્ચાઓનો દોર બહુ ચાલ્યો હતો. પોલીસે પંચક્યાસ કરી લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. શાંતાએ પૈસા પાણીની જેમ વાપર્યા. માવસિંગે રાતે બહુ દારૂ પીધો હતો અને તેમાં લથડી પડ્યો તેના કારણે મરી ગયો હતો તેવું કારણ આપીને શાંતા કોર્ટમાંથી બાઈજ્જત નિર્દોષ છૂટી ગઈ.

શાંતા કોર્ટમાંથી છૂટી તેની સાથે તેનું સામ્રાજ્ય વધુ ફેલાવા માંડ્યું. તેનો ખૌફ પહેલાં કરતાં વધી ગયો અને તેને ધંધાધાપા પણ વધવા માંડ્યાં. ટપોરીઓ અને બુટલેગરોનું ઝુંડ તેની આસપાસ ચોવીસે કલાક રહેતું. એવું કહેવાતું હતું કે શાંતા માવસિંગ પાસે એટલા બધા રૂપિયા આવી ગયા હતા કે ઘરમાં મુકવાની જગ્યા નહોતી. શાંતા તેના પલંગ ઉપર નોટોની થપ્પીઓ રાખતી અને તેની પર ચાદર પાથરીને સૂઈ જતી હતી.

સૌથી મોટી વાત એ હતી કે તેને ત્યાં આવેલા કોઈ ગરીબ માણસને શાંતા ખાલી હાથે પાછો જવા ન દેતી. એવું કહેવાય છે કે પલંગ નીચે સંતાડેલી નોટોમાંથી હાથમાં જેટલી આવે તે લઈને તે જરૂરિયાતમંદને આપી દેતી. સ્થાનિક લોકોને નવરાત્રિ, ધુળેટી અને દિવાળીના તહેવારોમાં જે ખર્ચા કરવાના થતા તે શાંતા પૂરા પાડતી હતી. ગરીબોના રોબિનહુડ તરીકેની ઈમેજ તેણે ઉભી કરી હતી અને આ રીતે તે કાયદાકાનૂનથી બચવાનો પ્રયાસ કરતી.

****   ****

આણંદની અંધારી આલમમમાં એ સમયે બે નામ મુખ્ય હતાં. ઈમુદાદા અને શાંતા માવસિંગ. બન્ને દારૂ-જુગારના અડ્ડા ચલાવતાં. પોલીસ ચોપડે બન્નેનાં નામ અસામાજિક તત્વોની યાદીમાં ટોચ પર હતાં. બન્ને વચ્ચે ટોપ પર રહેવાની હોડ પણ ચાલતી હતી. 1980માં બન્ને આણંદ પાલિકાની ચૂંટણીમાં ઊભાં રહ્યા હતા અને કાઉન્સિલર પર બન્યા હતાં.

આણંદની અંધારી આલમમાં ઈમુદાદાનું હુકમનું પાનું ઉપર રહેતું જે શાંતા માવસિંગને ખૂંચતું હતું. સ્ત્રી સહજ ઈગો તેને પીછો છોડતો નહોતો અને પોતાના સગા પતિનું કાસળ કાઢી નાખ્યા પછી તો તેની ઘેમરાજી ઓર વધી હતી. ઈમુનું નામ આણંદ શહેરમાં થતા રહેતા નાનામોટા ઝઘડામાં કેન્દ્રવર્તી રહેતું અને આ વાત શાંતાને બહુ ખટકતી હતી. શાંતા માનતી કે ઈમુ તેના ધંધા અને ઈમેજને નાનાં કરી રહ્યો છે અને જાહેરમાં તેને મળવી જોઈતી પબ્લિસિટીમાં પણ ભાગ પડાવી રહ્યો છે.

કેટલાક કિસ્સાઓમાં ઈમુદાદાએ શાંતાના મામલાઓમાં દખલ પણ કરી હતી. શાંતાએ મનોમન ઈમુદાદાનો કાંટો કાઢી નાખવાની યોજના તૈયાર રાખી હતી પણ ઈમુને મારવા કોઈ તૈયાર નહોતું. શાંતાએ પોતાને ત્યાં રહેતા ભાલેજના ઈબ્રાહીમ અબ્દુલકરીમ વ્હોરાને ઈમુદાદાનું કાસળ કાઢવા વિશ્વાસુ માણસો મેળવી લાવવા જણાવ્યું હતું. આ માટે મોટી રકમ આપવાની તૈયારી બતાવી હતી. ઈબ્રાહીમે આ કામ પાર પાડવા પોતાના જાણીતી મિત્ર રતિયો ઉર્ફે મહંમદ હુસૈન ગુલામરસુલ વ્હોરાને જણાવ્યું હતું. રતિયાએ એ વખતે જોકે, આ બાબતે કોઈ સંમતિ ભણી નહોતી.

એ વખતે દારૂના ધંધામાં રમણ ભગતનું નામ ટોચ પર હતું. રતિયાને રમણ ભગતની સાથે એક ઝઘડાનો કેસ ચાલતો હતો. રમણ ભગત ઈમુનો માણસ હતો. કેસની મુદ્દતમાં બન્ને વચ્ચે સમાધાનની વાચ ચાલતી હતી. આ વાતચીત વખતે જ ઈમુદાદા ત્યાં પહોંચ્યા હતા. તેમણે રમણ ભગતને સમાધાન કરવાની ના પાડી હતી એટલે સમાધાન થયું નહોતું.

આ ઘટનાથી રતિયો ઉર્ફે મહંમદહુસૈન ક્રોધે ભરાયો હતો. તેણે શાંતા માવસિંગની ઓફર લઈને આવેલા ભાલેજવાળા ઈબ્રાહીમ વ્હોરાનો સંપર્ક સાધ્યો અને ઈમુદાદાને પતાવી દેવાની જવાબદારી માથે લીધી. ઈમાનુએલ ઉર્ફે ઈમુદાદા હંમેશા પોતાની પાસે રિવોલ્વર રાખતો. સામી છાતીએ તેની પર હુમલો કરનાર દસ જણને તે ભારે પડે તેમ હતો. આ વાત રતિયાએ ઈબ્રાહીમ વ્હોરાને જણાવી હતી અને આ માટે રિવોલ્વર જેવા હથિયારની પણ માગણી કરી હતી.

આમ, બધી વાતનો દોર સંધાઈ ગયો. દશેરા પહેલાં જ ઈમુનું ઢીમ ઢાળી જેવાનું નક્કી થયું. કાવતરું પૂરેપૂરું ઘડાઈ ગયું હતું. તા. 19.10.1982ના નવરાત્રિના બીજા નોરતે રાતના 9.30 કલાકે ઈમુદાદા પોતાનું બુલેટ લઈ મહાવીર ઝુંપડપટ્ટીવાળા મેલડી માતા મંદિર પાસેથી ચક્રવર્તી ફળિયા તરખ નીકળ્યો. અત્યારે જ્યાં ગુલામનબી ચોક લખેલું છે ત્યાં એ વખતે કોઈ મકાન નહોતું. ખુલ્લી જગ્યા હતી. બે ત્રણ ટ્રક જેવાં વાહનો ત્યાં ઉભાં રહેતાં.

તેની આડમાં રતિયો રીક્ષામાં પોતાના માણસો સાથે સજ્જ થઈને બેઠો હતો. રસ્તો ખાડાટેકરાવાળો હતો એટલે ઈમુદાદા ધીમેધીમે આવી રહ્યો હતો. બુલેટ નજીક આવતાં જ રતિયાએ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું. ત્યાં આ લોકોએ બે થાંભલા વચ્ચે તાર પણ બાંધી દીધા હતા. તેમનું નિશાન અચુક રહ્યું. ગોળી વાગતાં જ ઈમુએ સાવધ બની બુલેટને ટર્ન મારવાની કોશિષ કરી પણ ત્યાં જ સજ્જ થઈને આવેલા હત્યારાઓએ ફરસી, ધારિયા અને હોકીથી હુમલો કરી દીધો.

આ વખતે ઈમુનો ખાસ મિત્ર અનિલ સેમ્યુલ તેને શોધવા આવી રહ્યો હતો. તેણે આ દ્રશ્ય જોઈ ‘બચાવો બચાવો’ની બૂમો પાડી એટલે આજુબાજુનાં લોકો બહાર નીકળી આવ્યા. રતિયો અને બીજા હુમલાખોરો ભાગી ગયા.

જ્યાં આ ઘટના બની હતી ત્યાં હાલમાં નન્નુ મિયાંનું મકાન છે. ત્યા વીજળીના થાંભળા પાસે જ ઈમુની હત્યા થઈ હતી. ઈમુને તરત પાલિકા હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે રાત્રે સવા દસ વાગ્યે આઈપીસીની કલમ 147,148, 149, 302 અને આર્મ્સ એક્ટની કલ 25(સી) મુજબ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.

ઈમુ પર હુમલો કરાયો તેના એક હુમલાખોર સત્તાર ઈબ્રાહીમને હાથે ધારિયાનો ઝાટકો વાગી ગયો હતો. તેને પુષ્કળ લોહી નીકળ્યું હતું. દવાખાને લઈ જઈ શકાય તેમ નહોતું. ઘા તેને ભયંકર પીડા આપી રહ્યો હતો. નાછૂટકે તા. 21.10.1982ના રોજ તે જાતે જ પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો. તેણે બધી જ વાત કહી દીધી એટલે પોલીસનું કામ આસાન થઈ ગયું. હવે ભાગેલા આરોપીઓને જ પકડવાના હતા.

તા. 23.10.1982ના રોજ પોલીસે આણંદ ગ્રીડ પાસેથી ઈબ્રાહીમ અબ્દુલકરીમે વ્હોરાને, તા. 24ના રોજ સિરાજ અબ્દુલ કરીમ વ્હોરાને વાસદથી, તા. 25ના રોજ મયુર ઉર્ફે મયુદ્દીન જિવામિયાંને ઝડપી લીધા. ત્યાર પછી રતિયો ઉર્ફે મહંમદ હુસૈન ગુલામરસુલ વ્હોરાને સામરખા ચોકડી પાસેથી પકડી લેવાયો. ચંદુભા ફત્તેસિંહ રહેનામા સહુથી છેલ્લે પકડાયો હતો.

ઈમુદાદાની હત્યા વખતે પોતાનું નામ આવે નહીં એટલે શાંતા માવસિંગ અંબાજી દર્શન કરવા ઉપડી ગઈ હતી. જોકે, ત્રીજા જ દિવસે નારસિંહ ઉર્ફે સત્તાર ઈબ્રાહીમે જાતે પોલીસની પાસે જઈને ભાંડો ફોડી નાખ્યો હતો. પોલીસે પહેલાં હત્યારાઓને ઝડપી લીધા અને હવે મુખ્ય સૂત્રધાર શાંતા માવસિંગને પકડવાની બાકી હતી.

શાંતા અંબાજીથી આણંદ આવીને રિક્ષામાં ચુપચાપ ઘર તરફ જતી હતી. તેણે મોં ઉપર ઘુમટો તાણેલો હતો તેમ છતાંય પોલીસની નજરમાંથી તે બચી શકી નહોતી. પોલીસે રિક્ષા ઉભી રાખીને તેને ગળચેથી પકડી લીધી હતી.

(અગાઉ પાંચ પાંચ હત્યાઓના કેસમાં સિફતપૂર્વક છૂટી ગયેલી શાંતા માટે ઈમુદાદાનું ખૂન કાળ બનીને આવ્યું… વાંચો ભાગ-7)  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!