શાંતાએ પૂરી તાકાતથી લોખંડની નરાસ માથામાં ફટકારી, માવસિંગે એક તીણી ચીસ પાડી અને લોહીનો ફુવારો ઉડ્યો…

શાંતાએ પૂરી તાકાતથી લોખંડની નરાસ માથામાં ફટકારી, માવસિંગે એક તીણી ચીસ પાડી અને લોહીનો ફુવારો ઉડ્યો…

શાંતાએ ખુદ એક કૂવા સ્તંભને તોડવાની ગુસ્તાખી કરી હતી જેના કારણે આખું વહાણ તૂટી ગયું. ખુદ એ જીવી ન શકી. શાંતા અને ઈમુના મૃત્યુ બાદ બાકી રહેલા ટપોરીઓમાં ‘હું દાદો’ની હોડ લાગી હતી જેમાં બધા જ અંદરોઅંદર કપાઈ મર્યા અને આણંદ ગુંડાશાહીમાંથી મુક્ત બન્યું

 

અશોક પરમાર

 

શાંતા માવસિંગ આણંદની અંધારી આલમનું સૌથી ખોફનાક નામ છે. બહારના લોકો માટે બિહામણું એવું આ નામ તેના વિસ્તારમાં રહેતા લોકો માટે સૌથી લોકપ્રિય નામ હતું. સ્ત્રી મહત્વાકાંક્ષી બને અને તે પૂરી કરવા માટે વિફરે તો શું થાય તેનું ઉત્તમ ઉદાહરણ શાંતા માવસિંગ હતી.

આણંદમાં સિરાજ ઘાંચી પછી સૌથી વધુ હત્યાના આરોપ શાંતા માવસિંગ પર લાગેલા છે. એ જેટલી ખૂંખાર હતી એટલી જ ચાલાક પણ હતી. જોકે, ચતુર કાગડો પોતાની જ જાળમાં ફસાય તે કહેવત પ્રમાણે શાંતા તેની જ જાળમાં ફસાઈ હતી. લોકોને ઠંડા કલેજે મારનારી શાંતાનું મોત પણ એવું જ આવ્યું હતું.

ઈમુ દાદાની હત્યા કરી આણંદમાં સર્વોપરિ બનવા ગઈ તેમાં જ તેનું ઢીમ ઢળી ગયું હતું. શાંતાના મોત બાદ આણંદની અંધારી આલમની ગંદકી પણ ધીમેધીમે સાફ થવા માંડી હતી. એમ કહીએ કે શાંતા માવસિંગનો અંત અંધારી આલમની સાફસફાઈનો પ્રારંભ હતો. 1994 સુધીમાં શ્વેત નગરીપર લાગેલા ગુંડાગર્દીના આ કાળા કલંકો સાવ સાફ થઈ ગયા હતા.

વહાણમાં એક કૂવાથંભ હોય છે જે તેને સમતુલા બક્ષીને મધદરિયે સફર કરાવે છે. આ કૂવાસ્તંભ તૂટી જાય એટલે વહાણ મધદરિયે જ ડૂબવા માંડે એમ આણંદની અંધારી આલમના ઈમુદાદા અને શાંતા માવસિંગ નામના બે કૂવાસ્તંભ તૂટી જતાં અંડર વર્લ્ડનું આ વહાણ આપોઆપ ડૂબવા માંડ્યું. તેમની આસપાસ ટપોરીઓનું એક વિશાળ જાળું રચાયું હતું. શાંતાએ ખુદ એક કૂવા સ્તંભને તોડવાની ગુસ્તાખી કરી હતી જેના કારણે આખું વહાણ તૂટી ગયું. ખુદ એ જીવી ન શકી. શાંતા અને ઈમુના મૃત્યુ બાદ બાકી રહેલા ટપોરીઓમાં ‘હું દાદો’ની હોડ લાગી હતી જેમાં બધા જ અંદરોઅંદર કપાઈ મર્યા અને આણંદ ગુંડાશાહીમાંથી મુક્ત બન્યું.

રામાયણ અને મહાભારત જેવા બે મહાન ધાર્મિક ગ્રંથોમાંના પવિત્ર પુરુષોને કૈકૈયી અને મંથરા જેવી સ્ત્રીઓએ કારણે વનવાસમાં જવું પડ્યું હતું. દ્રૌપદીના અહંકારિક વચનોથી દુર્યોધન ક્રોધે ભરાયો હતો અને બંને ભાઈઓના કુટુંબો રણમેદાનમાં સામસામે આવી ગયાં હતાં. સ્ત્રીઓને કારણે પુરાણકાળમાં જેમ યુદ્ધો થયાં હતાં તેવું આણંદમાં પણ બન્યું હતું.

શાંતા માવસિંગના શૈતાની દિમાગમાં ઉદભવેલા તુક્કાએ આણંદની આખી અંધારી આલમને ભડકે બાળઈ હતી અને આણંત સતત 14 વર્ષ સુધી ટપોરીઓના કમોતને નિહાળતું રહ્યું હતું. શાંતા અને માવસિંગ બંને જાતે અલગ અલગ હતાં. માવસિંગ રામસિંગ ચૌહાણ મૂળ પીલોદરાનો રબારી યુવાન હતો. શાંતા મહેસાણા જિલ્લા તરફની હતી અને તેનું લગ્ન અમદાવાદમાં થયું હતું. શાંતા અમદાવાદમાં ચાની લારી ચલાવી જીવન ગુજરાતી હતી.

માવસિંગ તેની ચારી લારીએ તેને દુધ વેચવા માટે આવતો હતો તેમાંથી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંનેએ જીવવા-મરવાના કોલ આપીને લગ્ન કરી લીધાં અને કાયમ માટે અમદાવાદ છોડી દીધું. 1965-66ના અરસામાં આ દંપતી સામરખા ગામે જઈને વસ્યું હતું. બંને માથાભારે હતાં એટલે ગામમાં રોજ તેમને ઝઘડા થતા રહેતા હતા. શાંતા આખો દિવસ ચણિયો અને બ્લાઉઝ પહેરીને ફરતી રહેતી. એક દિવસ તેમને સામરખા છોડવું પડ્યું.

સામરખા છોડ્યા પછી આણંદના પરીખ ભુવન વિસ્તારમાં ઝૂંપડી બનાવીને તેઓ રહેવા લાગ્યાં. જીવન ગુજારો કરવા પ્રારંભમાં માવસિંગે બારદાન ઉઘરાવીને વેચવાનું શરૂ કર્યું હતું. માવસિંગ બારદાન વેચતાં વેચતાં ચોરી અને લૂંટના રવાડે પણ ચઢ્યો હતો. ગામડામાં બારદાન લેવા જાય ત્યારે ત્યાંથી દેશી દારૂની એકાદ ખેપ પણ મારી લાવે અને અહીં આવીને વેચતો પણ હતો. પોતે પણ દારૂ પીતો. એક વખતે પડોશીએ દારૂ પીવડાવ્યો તે એને બહુ સારો લાગ્યો એટલે આ માલ ક્યાંથી લાવ્યો તેની પૃચ્છા કરી.

તેને જાણવા મળ્યું કે પરીખ ભુવન નજીક આવેલા ગામમાંથી જ આ દારૂ લવાતો હતો. આ દારૂનું વેચાણ કાળિયો ભીલ બારસિંઘા નજીક કરતો હતો. એક દિવસ દારૂની બાબતમાં કાળિયા ભીલ સાથે માવસિંગને ઝઘડો થયો એટલે શાંતા સાથે મળીને માવસિંગે કાળિયાના ઘરે જઈને લાકડીઓ મારીમારી તેનો હાથ તોડી નાખ્યો હતો.

આ ઘટનાથી પરીખ ભુવન વિસ્તારમાં શાંતા અને માવસિંગનો ખૌફ વધી ગયો. લોકો તેમનાથી ડરવા માંડ્યાં. માવસિંગે ધીમેધીમે બારદાનનો ધંધો સમેટીને દારૂના ધંધા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. દારૂના ધંધામાં કાળિયો ભીલ કાંટા સમાન લાગતાં માવસિંગે તેને બરાબરાનો દારૂ પીવડાવીને તેનું મર્ડર કરી નાખ્યું હતું. પરીખભુવન નજીક મેલડી માતાના મંદિર પાસે માવસિંગનો અડ્ડો ચોવીસ કલાક ધમધમતો હતો.

એ અરસામાં પરીખ ભુવનની છાપ અત્યંત બદનામ વિસ્તાર તરીકેની હતી. સારા કહેવાતા લોકો ત્યાં રહેવા માટે પણ જતા નહોતા. ત્યાં સુધી કે આણંદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ત્યાંના છોકરાઓને એડમિશન સુદ્ધાં આપવામાં આવતું નહોતું. છોકરીઓ એ વિસ્તારમાં જતી નહોતી. જે પરિવારો ત્યાં રહેતાં હતાં તેમનાં દીકરા-દીકરીઓનાં લગ્ન કરવામાં પણ મુશ્કેલીઓ આવતી હતી.

પરીખ ભુવન વિસ્તારની ઓળખ ઝૂંપડપટ્ટી એરિયા તરીકે થઈ ગઈ હતી. દારૂ અને જુગારના અડ્ડા અને ટપોરીઓનો મુકામ તેની ઓળખ હતી. માવસિંગનો રોજનો ધંધો પાંચથી છ હજાર રૂપિયાનો હતો અને પોલીસ તેમને પકડે ત્યારે માંડ દોઢસો રૂપિયાનો દંડ કરીને છોડી મૂકે તેવી આલમ એ વખતે હતી. પાંચ વર્ષમાં આ દંપતીએ પરીખ ભુવન વિસ્તારમાં પોતાની એક ચાલી અને મોટું મકાન ઊભું કરી દીધું હતું.

કાળી કમાણી વધી ગઈ પછી શાંતા અને માવસિંગને આણંદમાં ફેલાઈ જવાની ચાનક ચઢી. આ એ સમય હતો જ્યારે રેલવે સ્ટેશન, ગોદી વિસ્તાર અને પરીખ ભુવન બિલ્ડિંગની ઝૂંપડપટ્ટીમાં બાબુ ખાટકી અને કાશ્મીરીઓનું એકચક્રી શાસન ચાલતું હતું.

નવાપુરા અને પરીખ ભુવન પાસેના મેલડી માતાના મંદિર પાસે માવસિંગનું રાજ હતું જ્યારે આણંદ સિટીમાં ઈમુદાદા અને રમણ ભગતની સત્તા ચાલતી હતી. ચારેય માફિયા વચ્ચે ત્યારે આખા શહેરમાં ધંધો વિકસાવવા માટેની હરિફાઈ જામી હતી. સૌથી મોટી વાત એ હતી કે ચારેયને એકબીજા સાથે સીધું વેર નહોતું.

શાંતા માવસિંગને સર્વોપરિ બનવાની ધુન ઉપડી હતી. શાંતા સ્વતંત્ર મિજાજની, માથાભારે અને બદચલન પ્રકૃતિની હતી. તેને પોતાની પ્રગતિમાં સૌથી મોટો અવરોધ તેનો પતિ માવસિંગ જ લાગતો હતો. જેની સાથે તે પડખું સેવતી હતી તેને જ તે દુશ્મન માનતી હતી. માવસિંગ ન હોય તો પોતે ક્લિયોપેટ્રા બની જાય તેવી તેની તમન્ના હતી. શાંતા માવસિંગને મારવાની તક શોધતી હતી અને તેના માટે તેણે અનેક પ્લાન પણ બનાવ્યા હતા. સૌથી મોટી વાત એ હતી કે ગેંગના તમામ માણસો શાંતાના સમર્થકો હતા.

1971માં શાંતાએ કોઈપણ રીતે પોતાની યોજનાને પાર પાડવાનો નિર્ણય કર્યો. માવસિંગને એ ખબર જ નહોતી કે તેની પત્ની જ તેનું કાસળ કાઢી નાખવા માગે છે. એક રાતે માવસિંગ દારૂ પીને ઘસઘસાટ ઉંઘી રહ્યો હતો. અડધી રાતે તેને લઘુશંકા આવી અને ઘરની બહાર તે ગયો. ઘરથી વીસેક ફૂટ દૂર જઈને ઉંઘરેટી આંખો સાથે એ કુદરતી ક્રમ પતાવે ત્યાં જ શાંતા લોખંડની નરાસ સાથે બિલ્લી પગે તેની પાછળ ગઈ અને પૂરી તાકાતથી તેના માથામાં ફટકારી દીધી. માવસિંગે એક તીણી ચીસ પાડી. પરા વિસ્તારની આજુબાજુના ખુલ્લા અંધકારમાં તેની ચીસ ઓગળી ગઈ. લોહીનો ફુવારો વછૂટ્યો. થોડીવારમાં માવસિંગ ત્યાંજ ખતમ થઈ ગયો.

માવસિંગના લોહીથી જમીન લથપથ થઈ ગઈ. એ વખતે કહેવાય છે કે ઘણાં લોકોએ માવસિંગને મરતાં જોયો હતો. શાંતાએ જે રીતે તેના પતિના માથામાં ફટકો માર્યો હતો તે પણ લોકોએ નિહાળ્યું હતું. એ કાળરાત્રિથી શાંતા વિરુદ્ધ ચુંકેચાં કરવાની પરીખ ભુવન વિસ્તારમાં કોઈની હિંમત નહોતી રહી.

(શાંતા પલંગ પર ગાદલું રાખવાને બદલે રૂપિયાની થપ્પીઓ રાખતી અને તેની પર ચાદર પાથરીને સૂઈ જતી.)

આગળના ચાર ભાગ વાંચવા માટે આ લિંક પર ક્લીક કરોઃ https://www.yayavarcharotar.com/category/local/ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!