આણંદ 108 એમ્બ્યુલન્સમાં 13 વર્ષમાં 2124 બાળકોનું અવતરણ, લેટેસ્ટ કિસ્સો અહીમા ગામનો

આણંદ 108 એમ્બ્યુલન્સમાં 13 વર્ષમાં 2124 બાળકોનું અવતરણ, લેટેસ્ટ કિસ્સો અહીમા ગામનો

 

યાયાવર ડેસ્ક> આણંદ

 

તમને આશ્ચર્ય થશે પણ છેલ્લાં 13 વર્ષમાં આણંદ જિલ્લામાં 2124 બાળકોનો જન્મ 108 એમ્બ્યુલન્સમાં થયો છે. અત્યાર સુધી 2123 બાળકો જન્મ લઈ ચુક્યાં હતાં અને છેલ્લે ગુરુવારે તારીખ 17 ડિસેમ્બર 2020ના રોજ વધુ એક બાળકે 108ને કારણે આ દુનિયામાં અવતરણ કર્યું છે. 2007માં આણંદમાં 108 એમ્બ્યુલન્સની શરૂઆત થઈ હતી. ઉમરેઠ તાલુકાના અહીમા ગામે ગળામાં ગર્ભનાળ વીંટળાયેલા બાળકની 108ની ટીમે સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી. હાલમાં બાળક અને માતા બંનેની હાલત સ્થિર છે. તેમને વધુ સારવાર અર્થે આણંદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આણંદ 108ના હેડ નઝીરભાઈ વ્હોરાએ જણાવ્યું હતું કે, 108ને અહીમા ગામે ડિલીવરીનો કોલ મળતાં જ ઉમરેઠના એમ્બ્યુલન્સના પાયલટ સુરેશભાઈ રાવલ અને ઈએમટી દીપકભાઈ રાઠોડ સહિત તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા. ઘરે જતાં જ સગર્ભાની હાલત ક્રિટીકલ હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે ઈએમટી દીપકભાઈ રાઠોડે સમયસૂચકતા વાપરી સ્થળ‌ પર જ ડિલીવરી કરવાની તૈયારી બતાવી હતી. જોકે, સમસ્યા એ હતી કે બાળકની ગર્ભનાળ તેના ગળામાં વીંટળાઈ ગઈ હોવાથી તે જોખમી બને તેમ હતું. ઈએમટીએ ટીમના ઉચ્ચ તબીબોની સલાહ લઈને બાળકને સહજતાથી સરકાવીને સ્થળ પર જ સફળ ડિલીવરી કરાવી હતી. જોકે, બાળક રડતું ન હોવાથી બાળકને પણ રિસ્સીટેશન કરી આપ્યું હતું. હાલમાં બાળક અને માતા બંને સલામત અને સ્વસ્થ છે. ઘણાં બાળકોને આ રીતે ગર્ભનાળ ગળામાં વીંટળાઈ જતી હોય છે. આવી સ્થિતિને કોર્ડ અરાઉન્ડ નેક કહેવાય છે. આવી સ્થિતિમાં બાળક જલ્દીથી બહાર આવી શકતું નથી. જો નાળ કાપી નાખવામાં આવે તો બાળકના મગજ પર ઓક્સિજન ન પહોંચે અને મોટું જોખમ ઉભું થઈ શકે. જોકે, આણંદ જિલ્લાની 108ની ટીમે સરાહનીય કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!